Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

તુર્કીએ કર્યું રશિયન મિસાઇલ સંરક્ષણ સિસ્ટમનું પરીક્ષણ :અમેરિકાએ ગણવી ખતરાની નિશાની

વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ કહ્યું વાર્તાના માધ્યમથી સમસ્યાનું સમાધાન શોધી શકાશે

વોશિંગ્ટન:તુર્કીએ રશિયન મિસાઇલ સંરક્ષણ સિસ્ટમનું પરીક્ષણ કરતા અમેરિકા અને તુર્કી વચ્ચેના વિવાદમાં ફરી વાર વધારો થયો છે અમેરિકા અને તુર્કી વચ્ચે શાંતિ માટે બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આ પરીક્ષણના કારણે બંને વચ્ચે તેમાં વિક્ષેપ આવી શકે છે.

             અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ તુર્કી દ્વારા રશિયન મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું તેને ખતરાની નિશાની ગણાવ્યું છે. સાથે જ તેમણે મોસ્કો પાસેથી ખરીદવામાં આવેલી એસ-400 પ્રણાલીનું પરીક્ષણ કરવા મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. જો કે, તેમણે પોતે સતત તુર્કીના સંપર્કમાં હોવાની અને બંને દેશ વચ્ચે વાર્તા ચાલુ હોવાની સ્પષ્ટતા કરી હતી. આ પ્રકારની ચિંતા વચ્ચે પણ તેમણે વાર્તાના માધ્યમથી સમસ્યાનું સમાધાન શોધી શકાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

             અમેરિકી વિદેશ વિભાગે તુર્કી સરકારને વોશિંગ્ટનની ચિંતા અંગે માહિતગાર કરી દેવાઈ હોવાનું જણાવ્યું હતું. આ તરફ તુર્કીએ રશિયા પાસેથી હથિયાર પ્રણાલીઓ ખરીદવા અંગે અમેરિકાની ચેતવણીઓની અવગણના કરી છે. એકાદ મહીના પહેલા ઉત્તર સીરિયાને લઈ બંને દેશ વચ્ચે ખૂબ તણાવ રહ્યો હતો. ઉત્તરી સીરિયામાંથી અમેરિકી સેનાઓ હટી ગઈ ત્યાર બાદ તુર્કીએ કુર્દો પર સતત હુમલા ચાલુ રાખ્યા હતા. જો કે, અમેરિકા તરફથી દબાણ બાદ તુર્કી 124 કલાકના શાંતિ વિરામ માટે રાજી થયું હતું. પરંતુ તેના ઉલ્લંઘન સાથે તુર્કીએ ફરીથી ઉત્તર સીરિયા પર હુમલા શરૂ કર્યા હતા જેથી બંને દેશ વચ્ચેના સંબંધોમાં કડવાશ સર્જાઈ હતી.

                આ કારણસર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો હુમલા ચાલુ રહેશે તો ભૂગોળમાંથી તુર્કીના નકશાનું નામોનિશાન નષ્ટ કરી દેવાશે તેવી ધમકી આપવી પડી હતી. તુર્કી પર અમેરિકાની તે ધમકીની કોઈ અસર નહોતી જણાઈ અને તેણે ઉત્તર સીરિયા પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું. રશિયન સંરક્ષણ સિસ્ટમના પરીક્ષણ બાદ અમેરિકા અને તુર્કી વચ્ચેના વિવાદમાં ફરી એક વખત વધારો થયો છે.

(9:46 pm IST)