Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કેનેડામાં રહેતા હજારો ભારતીય માટે આવ્યા સારા સમાચાર

નવી દિલ્હી: કેનેડામાં રહેતા હજારો ભારતીયો માટે એક સારા સમાચાર છે. કેનેડાએ લગભગ પાંચ મહિના પછી ભારતથી સીધી ફલાઈટસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કેનેડાએ આ વર્ષે એપ્રિલ મહીનાથી પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમય ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો હતો. એરલાઈન કંપની કેનેડા સોમવારથી બન્ને દેશો વચ્ચે સીધી ફલાઈટસ શરુ કરી શકે છે. તેજ સમયે ભારતની સરકારી કંપની એર ઈન્ડીયા 30 સપ્ટેમ્બરથી તેની ફલાઈટસ શરુ કરી શકે છે. ટ્રાન્સપોર્ટ કેનેડાએ ટવીટ કર્યુ કે, 27 સપ્ટેમ્બરથી ભારતથી આવતી સીધી ફલાઈટસ કેનેડામાં ઉતરી શકે છે. જો કે જાહેર સલામતીના વધારાના પગલા લેવા પડશે. આ દરમ્યાન ઓટાવામાં ભારતના હાઈ કમિશ્નર અજય બિસારીયાએ આ પગલાને આવકાર્યો છે અને કહ્યું છે કે તે બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓને સામાન્ય બનાવવાની દિશામાં એક મોટુ પગલુ છે. યાત્રાને સરળ બનાવવા માટે ભારત, કેનેડા સાથે કામ કરી રહ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે મુસાફરી કરનારાઓએ દિલ્હી એરપોર્ટ પર માન્ય લેબમાંથી કોરોના વાયરસના આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ બનાવવો પડશે. આ અહેવાલ વિમાનની ઉડાનના 18 કલાકની અંદર જારી કરવાનો રહેશે. લેબ દ્વારા જારી કરાયેલા કયુઆર કોડ રિપોર્ટ સાથે મુસાફરોને એરલાઈન પ્રદાતાને વિમાનનું બોર્ડીંગ પહેલા બતાવવુ જોઈએ જેમને અગાઉ કોરોના પોઝીટીવ મળી આવ્યા હતા. તેઓએ માન્ય લેબમાંથી પોઝીટીવ રિપોર્ટ આપવો પડશે.

(6:50 pm IST)