Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

બુદ્ધની પ્રતિમાની સ્થાપના પછી વસાહતમાં ૮૨ ટકા ક્રાઇમ ઘટી ગયો

ન્યુયોર્ક તા.૨૭: ભારતના લોકો એટલા આસ્થાળુ છે કે રસ્તામાં કોઇ ભગવાની મુર્તિ મુકી ગયું હોય ત્યાં કયારે મંદિર બની જાય એ કોઇનેય ખબર ન પડે. જો કે આ વાત માત્ર ભારતીયોને જ નહીં, વિદેશીઓને પણ લાગુ પડે છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજયના ઓકલેન્ડ શહેરના એક વિસ્તારમાં ભુલ-ભુલમાં બોદ્ધ મંદિર બની ગયું છે જેણે એ વિસ્તારને અનાયાસ સુંદર અને ગુનારહિત બનાવવામાં ફાળો આપ્યો છે. વાત એમ છે કે ઓકલેન્ડના ઇલેવન્થ એવન્યુ નામના વિસ્તારમાં ૨૦૧૪ની સાલ સુધી ગુનાઓનું પ્રમાણ ખુબ વધુ હતું. રસ્તા પર લોકો નકામી ચીજો ફેંકી જતા. પ્રોસ્ટિટયુશન કરનારી મહિલાઓ અને ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકો આ વિસ્તારમાં ફરતા રહેતા. ઘરફોડીના કિસ્સા પણ છાશવારે બનતા. આ વિસ્તારમાં રહેતા ડેન સ્ટીવન્સન નામના ભાઇના ઘરની સામે પડેલી ખાલી જગ્યામાં લોકો નકામી ચીજો મુકીને ઉકરડો બનાવી રહયા હતા. આ ભાઇ પોતે ભગવાનમાં જરાય માને નહીં. એમ છતાં તેમને થયું કે ખાલી જગ્યામાં કોઇ પવિત્ર મૂર્તિ હોય તો લોકો કચરો ફેંકતાં અચકાય. ઇશુ ખ્રિસ્તીની મૂર્તિ કદાચ વિવાદ ખડો કરી શકે એટલે તેણે લગભગ ૬૦ સેન્ટિમીટરની બુદ્ધની પ્રતિમા લાવીને ઘરની સામેની જગ્યામાં મુકી દીધી. તેમના આશ્ચર્ય વચ્ચે આપમેળે એ જગ્યા કલીન રહેવા લાગી. લોકોએ કચરો ફેંકવાનું બંધ કર્યું. કોઇકે વળી મૂર્તિને પેઇન્ટ કરીને મુકી. ધીમે-ધીમે કરતાં આજુબાજુમાં કાચો શેડ બન્યો જેથી મૂર્તિ ખરાબ ન થાય. આવતા-જતા લોકો ત્યાં માથું નમાવીને જવા લાગ્યા. ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ અને દેહવ્યવસાય કરતી મહિલાઓ એ વિસ્તારથી આપમેળે દૂર રહેવા લાગી. ઘરફોડીના કિસ્સાઓ પણ ઘટવા લાગ્યા. ચાર વર્ષમાં તો આ વિસ્તારમાં ગુનાઓનું પ્રમાણ ૮ર ટકા જેટલું ઘટી ગયું.

(4:10 pm IST)