Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જાપાનમાં રેકોર્ડબ્રેક ગરમીના કારણોસર સરકારે રહીશોને વીજળી બચાવવાની વિનંતી કરી

નવી દિલ્હી: જાપાનમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે સરકારે ટોકયોના રહીશોને વીજળી બચાવવાની અપિલ કરી છે. જાપાનની સરકાર અને વીજળી ઉપલબ્ધ કરાવનાર સંસ્થાઓ દ્વારા રહીશોને વીજળીનો ઉપયોગ ઓછું કરવા બદલ લાભ આપવાની પણ જાહેરાત કરી છે. જાપાનના હવામાન વિભાગ મુજબ તાપમાન 35 ડિગ્રી જેટલું ઉંચું જઈ શકે છે. જાપાનના ટ્રેડ મંત્રીએ રવિવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે રાજધાની ટોકયોમાં વીજ પુરવઠાની સ્થિતિ સોમવારે સાંજે 4.30 વાગ્યેથી 30 મિનિટ માટે ખુબ જ ટાઈટ રહેશે, જેથી લોકોએ સાંજે 3 થી 6 દરમ્યાન વીજળીનો બચાવ કરવો જોઈએ. સાંજે 4.30 વાગ્યાનો સમય એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે સૂર્યાસ્તની સાથે સોલર પાવર જનરેશનમાં ઘટાડો જોવા મળે છે. શનિવારે જાપાનમાં તાપમાન જૂન મહિનાના રેકોર્ડ સ્તરે 40 ડિગ્રીને પણ આંબ ગયો હતો. 2 લાખની વસ્તી ધરાવતા ઇસેસાકી શહેરમાં શનિવારે તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું. જે ટોકયોથી 50 માઈલ ઉતર પશ્ચિમમાં આવેલું છે. જાપાન અને અન્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઈ છે. જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમ્યાન તાપમાનમાં વધારો થઈ શકે છે. સ્કોટલેન્ડના હવાઈશાસ્ત્રી સ્કોટ ડંકન પ્રમાણે ઉતર પૂર્વી એશિયામાં ભયાનક હિટવેવ ચાલી રહી છે અને જાપાનમાં જૂન મહિના દરમ્યાન તાપમાન રાષ્ટ્રીયસ્તરનું રેકોર્ડ તોડ્યું છે. જ્યારે ટોક્યોમાં તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું.

(6:47 pm IST)