Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પહેલા રીંછે માણસને અધમૂઓ કર્યો અને પછી ખાવા માટે સાચવી રાખ્યો

મોસ્કો તા. ર૭: રશિયાથી મોન્ગોલિયાની સરહદ નજીક આવેલા અંતરિયાળ તુવા વિસ્તારના જંગલમાં એક માણસ અધમૂળ હાલતમાં મળી આવ્યો છે. કેટલાક શિકારીઓએ તેને બચાવ્યો હતો. શિકારીઓ જંગલી કૂતરાઓની સાથે જંગલમાં ફરી રહ્યા હતા ત્યારે અચાનક આ જગ્યાએથી કૂતરાઓ ખસવાનું નામ નહોતા લેતા એટલે સહેજ ગુફા જેવા ભાગમાં આવીને શિકારીઓએ તપાસ કરી તો ત્યાં આ માણસ મળી આવ્યો. પહેલી નજરે તો તેમને માણસનું મમી હોય એવું લાગ્યું. તેના શરીર પર સૂકાયેલું લોહી અને માટી ખરડાયેલી હતી અને જખમ પાસેના ટિશ્યુમાં સડો પણ થવા લાગ્યો હતો. એમ છતાં, તેના શ્વાસ ચાલી રહ્યા છે એવી ખબર પડતાં આશ્ચર્ય થયું હતું.

શરીરમાં હાડપિંજર સિવાય કશું જ બચ્યું નહોતું. તે જરાક હાથ હલાવી શકતો હતો અને પરાણે ક્ષણો માટે આંખ ખોલી શકતો હતો. જયારે ડોકટરોએ તેને પૂછયું તો તેણે પોતાનું નામ એલેકઝાન્ડર હોવાનું જણાવ્યું હતું. લગભગ એક મહિનાથી તે બ્રાઉન રીંછના અડ્ડા સમાન ગુફામાં પડયો હતો અને પોતાનું યુરિન પીને જીવતો હતો. રીંછે તેની પીઠ પર હુમલો કર્યો હોવાથી તે હાલી શકતો નહોતો. તેને હર ક્ષણે ડર રહેતો હતો કે ગમે ત્યારે રીંછ આવીને તેનો શિકાર કરી જશે. જીવવાની કોઇ શકયતા ન હોવા છતાં તે મોત સામે ઝઝૂમી રહ્યો હતો. દુઃખની વાત એ છે કે તે જે સ્થિતિમાં છે એમાંથી તેની સારવાર કરીને તેને નવું જીવન આપવાનું ડોકટરોને બહુ અઘરૃં લાગી રહ્યું છે.

(3:33 pm IST)