Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ભારતમાં દરવર્ષે સાપ કરડવાથી 46,000 લોકો મોત : મૃત્યુનું પ્રમાણ સૌથી ઉંચુ : ઝડપી- યોગ્ય સારવારનો અભાવ - રિસર્ચ

સાપ કરડવાથી થતા મૃત્યુને ઘટાડવા વિશ્વ આરોગ્ય સંસ્થાનો સંકલ્પ

ભારતમાં દર વર્ષે 46,000 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે તેમ,વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેમાં જણાયું છે સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે ભારતમાં સાપ કરડવાથી થતા મૃત્યુનું પ્રમાણ સૌથી વધુ છે ણ ઇઝડપી અને યોગ્ય સારવારનો અભાવ મોતના ઉંચા આંક માટે કારણભૂત છે સાપ કરડવાથી થતાં મૃત્યુનો આંક ઘટાડી શકાય તેમ છે. 

 વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ હેલ્થ અસેમ્બલીમાં એક ઠરાવ પસાર કર્યો છે અને સાપ કરડવાથી થતા મૃત્યુને અટકાવવા સંકલ્પ કર્યો છે. વિશ્વભરમાં દર વર્ષે એક લાખ લોકો સાપ કરડવાથી મરી જાય છે. જેમાં ભારતમાં 46,000 લોકો સાપ કરડવાથી મરી જાય છે. સાપ કરડવાથી થતા મૃત્યુને અટકાવવા ઓછા પ્રયત્નો થયા છે પણ આવી રીતે માનવમૃત્યુ અટકે એ જરૂરી છે.

   વિશ્વનાં 194 દેશોએ આ ઠરાવમાં સહી કરી છે. ભારતમાં 2001થી 2003 સુધી એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જણાવ્યું હતુ કે, વર્ષે 14 લાખથી 28 લાખ લોકોને સાપ કરડે છે. જેમાંથી 46,000 જેટલા લોકો મૃત્યુ પામે છે.વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં સાપ કરડવાથી થતા માણસોનાં મૃત્યુનું પ્રમાણ વધારે છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે, ગરીબ માણસોને તાત્કાલિક સારવાર મળતી નથી.

   2015માં છત્તીસગઠમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ગામડાઓમાં જ્યારે લોકોને સાપ કરડે છે ત્યારે સીધા દવાખાને લઇ જવાને બદલે સ્થાનિક ઉંટવૈદોનો સહારો લેવામાં આવે છે અને એના કારણે મહત્વનો સમય પસાર થઇ જાય છે અને જ્યારે દવાખાને દર્દી પહોંચે છે ત્યારે ઘણું મોડુ થઇ ચુક્યું હોય છે. મોટાભાગનાં દર્દીઓ દવાખાને પહોંચે તે પહેલા જ મરી જાય છે. એટલે સરકારી આંકડાઓ કરતાં સાપ કરડવાથી થતાં માનવ મૃત્યુનાં આંકડાઓ વાસ્તવમાં ઘણા વધારે છે.

   સાપ કરડવાથી થતા મૃત્યુનાં મોટા ભાગના કિસ્સાઓ મુખ્યત્વે 13 રાજ્યોમાં બને છે જેમાં ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને બિહારનો સમાવેશ થાય છે. ભારતમાં મુખ્યત્વે 13 પ્રકારનાં ઝેરી સાપો જોવા મળે છે જેમાં સૌથી વધારે ઝેરી સાપોમાં કોમન કોબ્રા, રસેસ્લ વાયપર, સોસ્કેલ વાયપર અને કોમન ક્રેટનો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં જણાવ્યા અનુસાર સાપ કરડવાથી માત્ર માનવ મૃત્યુ થાય છે એટલું જ નહીં પણ સાપ કરડ્યા પછી જીવી ગયેલા લોકોને અપંગતા આવે છે અને જીવનભર તેની વેદના રહે છે.

 

(7:34 am IST)