Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દુનિયામાં પહેલી વખત પોપટના પીંછાનું થયું ટ્રાન્સપ્લાન્ટ, થયો અદભુત ચમત્કારઃ ઉડવા પણ લાગ્યો

સીડની, તા.૨૭: ઘણાને પક્ષી પાળવાનો શોખ હોય છે. પરંતુ પંખીઓને પાંજરામાં જ રાખવા પડે, તેમને શ્વાન કે બીજા પ્રાણીઓની જેમ પક્ષીઓને છૂટા રાખી શકાય નહીં. જો કે દ્યણા લોકો તેમની પાંખને કાપી નાંખતા હોય છે અને તેને કારણે એ પંખી ઊડી શકતું નથી. જો કે એ પ્રક્રિયાનો જ ઉપયોગ કરીને ઊડી નહીં શકતા એક પોપટને ઊડતો કર્યો હતો ! ખરેખર તો એ ગ્રીન પોપટ - વેઇ વેઇ ઊડી ન જાય એ માટે તેના માલિકે તેની પાંખને ટ્રીમ કરી નાંખી હતી અને તેને ગગન વિહારી થતાં રોકી દીધો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રાણીઓના ડોકટર કેથેરિન આપુલીએ વેઇ વેઇને ઊડતો કર્યો હતો. વેઇ વેઇની થોડી પાંખો કાપી નાંખવામાં આવી હતી, તેથી તે ઊડી શકે એમ ન હતો. કેથેરિને વેઇ વેઇની કપાયેલી પાંખને સરખી કરી હતી. એ બાદ એક ખાસ પ્રકારના ગુંદરનો ઉપયોગ કરીને બીજા પીંછા કાપેલી પાંખ પર લગાવી દીધા હતા. ખરેખર તો આ રીતે પીંછાને કિલપિંગ કરી દઈને લગાવાયા હતા. વેઇ વેઇને એ પીંછા લગાવવાથી તે ઊડતો થયો હતો, જો કે તે નીચે પણ ઊતરી શકતો હતો.

પહેલી વખત દુનિયામાં આ રીતે પીંછાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ડોકટર્સે જણાવ્યું કે, દ્યણી વખત ઈજાના કારણે અથવા તો બીમારીના કારણે પણ પક્ષીઓના પીંછા ખરી જતાં હોય છે કે પછી ઊતરી જતાં હોય છે. આ સંજોગોમાં તેમની સારવારમાં એક નવી આશા જાગશે. વેઇ વેઇ પોપટમાં જે રીતે સફળતા મળી છે, એ જોતાં હવે ઈજાગ્રસ્ત પક્ષીઓને ફરીથી ઊડતા કરવાનું સહજ અને સરળ બનશે. આખી પ્રક્રિયા જટિલ નથી, તેથી વેઇ વેઇ પરનો પ્રયોગ દુનિયાના પક્ષી તબીબોને એક નવી દિશા ચીંધશે, જે પક્ષીઓને ફરીથી ઊડવામાં મદદરૂપ બને એમ છે. પાંખમાં ઈજા થઈ હોય એવા પક્ષીઓની સારવાર માટેની નવી દિશા ખૂલશે.

(1:08 pm IST)