Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

માદા અજગર ટોવેલ ગળી જતાં મોકાણ સર્જાઇ

નવી દિલ્હી,તા.૨૭: પૃથ્વી પર પ્રત્યેક જીવ એની ક્ષમતા પ્રમાણે જ કામ કરે છે. કહેવત છેને કે કાગડો કયારેય હંસની ચાલ ન ચાલી શકે અને જો એ એમ કરવાની કોશિશ કરે તો એનો પગ લચકાઈ જઈ શકે. બસ, આવું જ કઈક થયું મોન્ટી નામની આ ૧૮ વર્ષની માદા અજગર સાથે.

આ માદા અજગર બીચ પરનો ટોવેલ ગળી જતાં એને તત્કાળ હોસ્પિટલ લઈ જવી પડી હતી. હોસ્પિટલે કઈ રીતે પાયથનના મોઢામાંથી ટોવેલ બહાર કાઢ્યો એની વિડિયો કિલપ ફેસબુક પર શેર કરી છે. સેશ (સ્મોલ એનિમલ સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ)એ શેર કરેલા આ વિડિયોને એક ખૂબ જ અસામાન્ય અને વિશિષ્ટ ઘટના ગણાવી છે.

ટોવેલ મોન્ટીના આંતરડામાં કયાં સુધી પહોંચ્યો છે એ જોવા ફ્લેકિસબલ એન્ડોસ્કોપ એના પેટ સુધી પહોંચાડતાં પહેલાં મોન્ટીને એનેસ્થેશિયા આપવામાં આવ્યો હતો. ટોવેલનો છેડો શોધવા માટે તેના પેટના રેડિયોગ્રાફ લેવામાં આવ્યા અને પછી હોસ્પિટલની ઇન્ટર્નલ મેડિકલ ટીમની મદદથી લાંબો ફોરસેપ્સ પેટની અંદર સુધી પહોંચાડીને ટોવેલને પકડીને બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો. મોન્ટી અને ટોવેલ બન્ને હવે સુખરૂપ છે.

(1:07 pm IST)