Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જેમના અંતિમ સંસ્કાર થઇ ગયેલા તે ભાઇ સાત મહિના પછી ઘરે પાછા આવ્યા

બેંગ્કોક તા. ર૬: થાઇલેન્ડના નોનખુન જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા સેકોર્ન સાચિવા નામના ભાઇ વર્ષોથી કમાણી માટે થાઇલેન્ડના મોટાં શહેરોમાં કામ કરતા હતા. રજાના દિવસોમાં તેઓ દસ-પંદર દિવસ માટે પોતાના ઘરે જતા. જોકે આ વર્ષે મે મહિનાની ર૧ તારીખે બેન્ગકોકની પોલીસે ફોન કરીને જણાવ્યું હતું કે સેકોર્ન સચિવા મૃત્યુ પામ્યો છે અને તેનું શબ આવીને લઇ જવું. સેકોર્નનો કઝિન ભાઇ જયારે બેન્ગકોક પહોંચ્યો ત્યારે તેને એક ઓરડીમાં સડીને ગંધાઇ ગયેલું સબ પકડાવવામાં આવ્યું. કઝિનને શબના દાંત જોઇને શક પણ થયો કે કદાચ એ તેનો ભાઇ સેકોર્ન નથી. કેમ તે તેના ભાઇના બે દાંત તૂટેલા હતા, જયારે આ શબના દાંત અકબંધ હતા. જોકે પોલીસે એજ ઓરડીમાંથી મળેલું સેકોર્નનું આઇડેન્ટિટી કાર્ડ કાઢી બતાવ્યું જેને કારણે કોઇ શકની ગુંજાઇશ રહી નહીં. પરિવારજનોએ તેના અંતિમ સંસ્કાર કર્યો. અસ્થિ બૌદ્ધ સ્તૂપ પાસે વિસર્જત કર્યા અને મૃત વ્યકિત પાછળ થોતી તમામ વિધિ અને એક મહિનાનો શોક પણ પાળ્યો. જોકે સાત મહિના પછી અચાનક જ ક્રિસમસની રજાઓમાં સેકોર્ન સાજોસમોમ પાછો ગામ આવતાં પરિવારજનો બઘવાઇ ગયા. ૪૪ વર્ષના આ ભાઇનું કહેવું હતું કે તે જાન્યુઆરી મહિનાથી એક ફિશિંગ બોટ પર કામ કરતો હતો અને તેનું આઇડેન્ટિટી કાર્ડ કોઇ બર્મીઝ વર્કરે ચોરી લીધેલું. હવે આ ભાઇએ પોતે જીવિત છે એવા પુરાવા આપીને બધા જ ઓફિશ્યલ દસ્તાવેજો પાછા બનાવવા પડશે. જો કે પરિવારે  જેના અંતિમ સંસ્કાર કર્યા એ કોણ હતું એ રહસ્ય તો હજી અકબંધ જ છે.

(4:44 pm IST)