Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ન્યુયરનો સંકલ્પ કરવો છે? તો નક્કી કરો કે નકારાત્મકતા ખંખેરીને જાતને પ્રેમ કરશો

નવી દિલ્હી તા. ર૬ :.. આવી સુફિયાણી સલાહ અમે નહીં, અમેરિકાની ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આપી રહ્યા છે. મોટા ભાગે નવું વર્ષ આવવાનું હોય ત્યારે આપણે સંકલ્પો લેતા હોઇએ છીએ કે આ વર્ષે દસ કિલો વજન ઘટાડવું છે, રોજ ડાયટમાં શાકભાજી વધુ ખાવા છે, મારા કમરનો ઘેરાવો પાંચ ઇંચ જેટલો ઘટાડવો છે વગેરે, ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીનાં પ્રોફેસર પમેલા કીલનું કહેવું છે કે સંકલ્પ લેતા પહેલાં સમજવું જરૂરી છે કે હેપી અને હેલ્ધી રહેવું હોય તો દસ કિલો વજન ઘટાડવા કરતાં સૌથી પહેલાં પોતાના શરીર અને જીવન વિશેના નકારાત્મક વિચારોને ખંખેરવા વધુ મહત્વનું છે.

ખાસ કરીને યંગ જનરેશનમાં પોતાની બોડીથી અસંતોષનું પ્રમાણ વધતું ચાલ્યું છે. જો કે છેલ્લા ૩પ વર્ષમાં આઇડીયલ ફિગર બનાવવાનું મોટા ભાગના લોકો માટે લગભગ અશકય થવા લાગ્યું છે. હકિકત અને કલ્પના વચ્ચે મોટું અંતર હોવાથી પોતાની બોડી અને જીવન માટે નકારાત્મક ફીલિંગ્સ મનમાં ધરબાયેલી રહે છે. જો એ  નેગેટીવ અભિગમ સુધરે તો આપમેળે જીવનમાં જરૂરી ડાયટ અને એકસરસાઇઝ જેવી અત્યંત આવશ્યક પ્રવૃતિ માટેનો અપ્રોચ પણ બદલાય છે જે આડકતરી રીતે ફાયદાકારક જ રહે છે ટેકસસની ટ્રીનીટી યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવું છે કે નકારાત્મક વિચારોને કારણે બોડી ઇમેજ ડીસ ઓર્ડર અને ઇટીંગ  ડીસઓર્ડર્સનું જોખમ વધે છે. એને કન્ટ્રોલમાં રાખવા માટે વ્યકિત પોતાની બોડીને મિરરમાં જોઇને જેવી છે એવી જ સ્વીકારે એ જરૂરી છે.

(4:41 pm IST)