Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સંયુક્ત અરબ અમીરાતે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો:પાકિસ્તાન સહીત 13 દેશોના નાગરિકોના યુએઈ પ્રવાસ પર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાતએ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપી પાકિસ્તાન સહિત 13 દેશોના નાગરિકોના યુએઇ પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુએઈએ પાકિસ્તાન સહિત 13 દેશોના નાગરિકોને નવા વીઝા ઈશ્યૂ કરવા પર રોક લગાવી છે. બિઝનેસ પાર્ક દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજ મુજબ, ઈરાન, સીરિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત 13 મુસ્લિમ બહુમતીવાળા દેશોના નાગરિકોને હાલ નવા વીઝા ઈશ્યૂ કરવા સામે મનાઈ ફરમાવી દેવાઈ છે.

            અફઘાન, પાકિસ્તાન સહિત ઘણા અન્ય દેશોના નાગરિકો માટે અસ્થાયી રીતે વીઝા પર સુરક્ષા ચિંતાઓને લઈને આ રોક લગાવાઈ છે. બિઝનેસ પાર્કમાં કામ કરતી કંપનીઓ માટે દસ્તાવેજ મોકલી દેવાયો છે. જોકે, યુએઈની ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટીઝનશિપ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઈસ્લામિક સ્ટેટ દ્વારા સાઉદી અરેબિયામાં કરાયેલા બોમ્બ હુમલા બાદ યુએઈમાં રહેલા ફ્રાન્સના દૂતાવાસે પોતાના નાગરિકોની સુરક્ષા માટે અપીલ કરી હતી. જેના એક સપ્તાહ બાદ આ પત્ર બહાર પડાયો છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયામાં જેદ્દા સ્થિત કબ્રસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

(6:16 pm IST)