Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ત્રણ વર્ષથી આ મગરમચ્છ ગળામાં ફસાયેલા મોટરસાઇકલના ટાયર સાથે નદીમાં તરી રહ્યો છે

જાકાર્તા, તા. ર૬ : મુકતપણે ફરવું બધાને જ ગમતું હોય છે, પછી એ મનુષ્ય હોય કે પ્રાણી, હાથ-પગ પણ બાંધેલા હોય તો અજુગતું લાગતું હોય ત્યાં ગળામાં કાંઇ ફસાયું હોય અને તમારે એની ાસથે જ જીવવું ફરજિયાત હોય તો તમે શું કરો ? ચીસાચીસ કરીને ગળામાંથી ફસાયેલી વસ્તુને બહાર કઢાવો, પણ જો તમારા સ્થાને કોઇ મૂંગું પ્રાણી હોય તો ?

હા જી, ઇન્ડોનેશિયાની એક નદીમાં એક મગરમચ્છ છેલ્લા ત્રણ વર્ષથી ગળામાં મોટરસાઇકલના ટાયર સાથે તરી રહ્યો છે. ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસીની રાજધાની પાલુમાથી વહેતી એક નદીમાં ર૦૧૬માં એક મગરમચ્છ ગળામાં ફસાયેલા ટાયર સાથે તરતો જોવા મળ્યો હતો. લગભગ ૧૩ ફુટ લાંબો આ મગર લુપ્ત થતી સીયામીઝ પ્રજાતિનો હોવાનું મનાય છે.

ર૦૧૮માં સ્થાનિક લોકોએ આ મગરને પાણીમાંથી મોઢું બહાર કાઢીને શ્વાસ લેતો જોયો હતો. ઇન્ડોનેશિયાની સેન્ટ્રલ સુલાવેસી નેચરલ રિસોર્સિસ કન્ઝર્વેશન એજન્સીએ ચિકનની લાલચ આપીને મગરને સૂકી જમીન પર બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મગરમચ્છે ચિકન પ્રત્યે વિશેષ રસ દેખાડયો નહોતો. મગરનું કદ ૪ મીટર જેટલું વધ્યું છે અને એનું માથુ લગભગ ૪૦ સેન્ટિમીટર લાંબુ છે. તેનું કદ ધીમે ધીમે વધી રહ્યું હોવાથી વાઇલ્ડ લાઇફના અધિકારીઓને ભય છે કે જો વહેલી તકે મગરના ગળામાંથી ટાયર બહાર કાઢવામાં નહીં આવે તો ગૂંગળામણથી એનું મૃત્યુ થઇ શકે છે. મગરને પકડવા માટે જાળ તૈયાર હોવા છતાં એને કાબુમાં રાખવા ટેનિકલ ટીમ ન હોવાથી એનો ઉપયોગ કરી શકાય એમ નથી. મગર પાણીમાંણી બહાર નીકળી રહ્યો ન હોવાથી ઇન્ડોનેશિયાના અધિકારીઓએ એના પર બેભાન કરવાની દવાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો પણ ઇન્કાર કર્યો છે.

(11:52 am IST)