Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જીવનને લઇને ફરિયાદ જ કરતાં રહેશો! પિતા-પુત્રની ફોટો જોઇ ભૂલી જશો પોતાનું દુઃખ

ફોટો જોઇને તમે પણ ભૂલી જશો ફરિયાદ કરવાનું, જીવનને પ્રેરણા આપે છે પિતા અને પુત્રની ખુશી : તુર્કીના એક ફોટોગ્રાફરે બોર્ડર પર સ્થિત શરણાર્થી બાળક અને એના પિતાના ફોટો ખેંચી હતીઃ આ ફોટોને સિએના ઇન્ટરનેશનલ ફોટો એવોર્ડ્સ ૨૦૨૧માં 'ફોટો ઓફ ધ ઇયર'નો એવોર્ડ મળ્યો છેઃ ફોટો જોઇને લોકો પણ ઇમોશનલ થયા, કહ્યું-હવે જીવન અંગે કયારેય ફરિયાદ નહીં કરીએ

અંકારા,તા.૨૬: તુર્કીના એક ફોટોગ્રાફર મેહમત અસલને એક ખૂબ જ માર્મિક ફોટો ખેંચી છે. આ ફોટો માટે તેમને સિએના ઇન્ટરનેશનલ ફોટો એવોર્ડ્સ ૨૦૨૧માં 'ફોટો ઓફ ધ ઇયર'નો એવોર્ડ મળ્યો છે. મેહમતે સીરિયા-તુર્કી બોર્ડર પર હૈટે સ્ટેટના રેહાનલીમાં એક સીરિયન શરણાર્થી બાળક અને એના પિતાની ફોટો ખેંચી હતી. ફોટોમાં જોઇ શકાય છે કે, બાળક અને એના પિતા એમ બંનેના પગ નથી, એમ છતાંય તેઓ જીવનની પળને હસીંને માણી રહ્યા છે.

આતંકવાદથી ઘેરાયેલા સીરિયાના એક બજારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં પિતાએ એના પગ ગુમાવી દીધા હતા. જયારે સીરિયા ગૃહયુદ્ઘ દરમિયાન છોડવામાં આવેલી નર્વ ગેસથી બાળકની માતા બીમાર પડી હતી અને આ દરમિયાન એણે જ દવાઓ લીધી એનાથી બાળકનો અર્ધવિકાસ થયો અને વિકાર સાથે જ જન્મ લીધો હતો. એ બાળકના શરીરનો નીચેનો ભાગ વિકાસ પામ્યો જ નહોતો. ટ્વીટર આ ફોટો અને એમની કહાની લિંજી બિલિંગે શેર કરી છે. લિંજી એક ફોટોગ્રાફર અને પત્રકાર છે.

લિંજીએ ટ્વીટર પર લખ્યું છે કે, આ ફોટો જોઇને એના એક મિત્રએ સવારે કહ્યું કે, હું કયારેય પણ કોઇ વાતને લઇને ફરિયાદ કરું તો મારા ચહેરા પર મુક્કો મારજે. ફોટોને જોઇને અન્ય લોકો પણ આ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખે છે કે, વર્તમાન સમયમાં ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું, પરંતુ આ ફોટો જોયા પછી હું મારી મુસીબતને લઇને ફરિયાદ નહીં કરું. કયારેય નહીં કરું.

સંયુકત રાષ્ટ્રની માનવાધિકાર પ્રમુખ મિશેલે ગત મહિને કહ્યું હતું કે, એમની રિપોર્ટ મુજબ સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ઘને લીધે વિતેલા ૧૦ વર્ષમાં ૩,૫૦,૨૦૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે, આ ગૃહયુદ્ઘમાં માર્યા ગયેલા લોકોનો અસલ આંકડો વધારે છે. પરંતુ એમના રિપોર્ટ મુજબ આ આંકડો જ નોંધાયો છે.

સંયુકત રાષ્ટ્રની સંસ્થા સીરિયામાં વાસ્તવિક સ્થિતિ વિશે માહિતી ના મળવાની લાંબા સમયથી ફરિયાદ કરી રહી છે. જે પછી ૨૦૧૪થી સંસ્થાએ સીરિયામાં યુદ્ઘ દરમિયાન થતી મોતનો આંકડો અપડેટ કરવાનું બંધ કરી દીધુ હતું. એ સમયે મૃત્યુઆંક ૧,૯૧,૩૬૯ હતો.

(9:48 am IST)