Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સારૃં આરોગ્ય અને સ્વસ્થ જીવન માટે આહાર ઓછો કરો

નવી દિલ્હી તા.ર૬ : આંતરડાં આપણાં પાચનતંત્રના મહત્ત્વનાં અંગો છે. પાચનતંત્રને સ્વથ્ય રાખવા માટે નાનું આંતરડું અને મોટું આંતરડું બન્નેની જાળવણી બાબતે સાવધ રહેવું જોઇએ. ખોરાકમાંથી પોષણ તત્ત્વોને શોષીને નકામાં કે હાનિકારક તત્ત્વો શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા વ્યકિતના આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ છે.

અયોગ્ય, અરૂચિકર કે હાનિકારક ખોરાકથી પેટના રોગો થાય છે. પેટના રોગો અન્ય અનેક બીમારીઓનું કારણ બને છે. શરીર અને મનની સ્વસ્થતામાં આહાર-વિહારનું ઘણું મહત્ત્વ છે.

ડાયટિશ્યન્સ તેમજ આરોગ્ય અને આહારના નિષ્ણાંતોની સલાહ મુજબ ભૂખ કરતા ઓછું ખાવાથી પાચનતંત્ર પર બોજ ઓછો પડે છે. આહાર વધારે લેવાય તો વજન વધવા ઉપરાંત આંતરડાની સક્રિયતા ઘટી જાય છે.

આહારમાં પ્રોસેસ કરેલો ખોરાક ટાળવો જોઇએ અને ફાઇબરયુકત ખોરાકનું પ્રમાણ વધારવું જોઇએ. માંસાહાર ઓછો કરવો જોઇએ ચરબી (કોલેસ્ટરોલ), હાઇ પ્રોટીન્સ અને માયોગ્લોબિન ધરાવતા રેડ મીટનો આહાર ટાળવો જોઇએ અને સાવ ઓછી ચરબી ધરાવતું લીન મીટ સાધારણ પ્રમાણમાં ખાઇ શકાય. શરીરમાંથી ટોકિસન્સ બહાર કાઢવા માટે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આંતરડાને સ્વસ્થ રાખવા માટે આરામ જરૂરી છે. આંતરડાં મગજ સાથે જોડાયેલા છે શરીરમાં મોજુદ ૯પ ટકા સેરોટોનિન આંતરડાને અલગ ન્યુરોલોજિકલ સિસ્ટમ સાથે જોડાયેલા રાખે છે. એથી મગજની સ્વસ્થતા જરૂરી છે.

(3:36 pm IST)