Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નર્સે ૧૮ દિવસના બાળકનું લિંગ કાપી નાખ્યું : મળ્યું ૨૨૯ કરોડનું વળતર!

લિંગ જોડવાને બદલે ફ્રીઝમાં મૂકી દીધું!

ન્યૂયોર્ક તા. ૨૬ : અમેરિકાના જયોર્જિયામાં એક નર્સે દુર્ઘટનાવશ ૧૮ દિવસના બાળકનું બાળકનું લિંગ કાપી નાખ્યું હતું. હવે ૪ વર્ષ બાદ કોર્ટે આ બાળકને ૨૪ મિલિયન પાઉન્ડ એટલે કે, ૨૨૯ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. બ્રિટનના અખબાર ધ સનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાળક લાઈફ સાઈકલ પેડિયાટ્રિક હોસ્પિટલમાં એડમિટ હતું. અહીં મેલિસા જોન્સ નામની નર્સ બાળકનું ખતના કરી રહી હતી પણ દુર્ઘટનાવશ બાળકનું લિંગ જ કપાઈ ગયું!

રિપોર્ટ અનુસાર નર્સ અને ડોકટર્સે કપાયેલા લિંગને જોડવાને બદલે તેને ફ્રીઝમાં મૂકી દીધું અને બાળકને લોહીલુહાણ હાલતમાં ઘરે મોકલી દીધું. જયારે બાળકની માતાએ આનો વિરોધ કર્યો ત્યારે તેને પણ સમજાવી-મનાવીને ઘરે મોકલી દેવાઈ. ઓકટોબર ૨૦૧૩માં બનેલી આ ઘટના પર સતત સુનવણી ચાલી રહી છે. એટલું જ નહીં બાળકની સારવાર પણ કરવામાં આવી રહી છે.

મિનસોટા અને મેસેચ્યુએટ્સમાં બાળકની સર્જરી કરવામાં આવી, જેથી તે કોઈ મુશ્કેલી વિના પેશાબ કરી શકે. ડોકટર્સે આશા વ્યકત કરી છે કે, બાળક મોટું થઈને જનન પ્રક્રિયા પણ કરી શકશે. ડોકટર્સનું કહેવું છે કે, બાળક જયારે કિશોર થશે ત્યારે તેનો ફરીવાર ટેસ્ટ કરવામાં આવશે જેથી એ કન્ફર્મ કરી શકાય કે, તેને હવે વધુ કોઈ સર્જરીની જરૂર છે કે કેમ? અને તેના તમામ અંગ સારી રીતે કામ કરી રહ્યાં છે કે નહીં?

બાળક અને તેની માતાના વકીલે કલેટન કાઉન્ટીમાં કહ્યું કે, આ શારિરીક દુર્ઘટનાને કારણે બાળકને વર્ષો સુધી માનસિક યાતનાનો શિકાર બનવું પડશે. વકીલ કોર્ટને કહ્યું કે, બાળક જયારે મોટું થશે ત્યારે તેને શરમનો સામનો કરવો પડશે અને તેને લગ્ન કરવામાં પણ મુશ્કેલી થશે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બાળકને ૨૨૯ કરોડનું વળતર આપવાનો આદેશ આપ્યો.(૨૧.૫)

 

(9:56 am IST)