Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અમેરિકન સૈન્ય સ્વદેશ પાછું ફરે તો 6 માસમાં કાબુલમાં વિનાશ વેરાવાની શક્યતા

નવી દિલ્હી: અમેરિકન સૈન્ય સ્વદેશ પાછું ફરશે તેના માસમાં કાબુલમાં વિનાશ વેરાશે અને કાબુલનો કબજો તાલિબાની આતંકવાદીઓ લઈ લેશે. આવી દહેશત અમેરિકન ગુપ્તચર એજન્સીએ વ્યક્ત કરી હતી. તાલિબાનો વધારે બેફામ બનશે એવી ચેતવણી અધિકારીઓએ આપી હતી. અમેરિકન સૈન્યની ઘરવાપસી થશે તેના ગણતરીના મહિનાઓમાં તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં બેફામ બની જશે. અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે સપ્ટેમ્બરમાં જેવું અમેરિકન સૈન્ય સ્વદેશ પાછું આવી જશે કે તેના માસમાં તાલિબાની આતંકવાદીઓ કાબુલમાં સત્યાનાશ વાળી દેશે અને કાબુલનો કબજો મેળવી લેશે. તાલિબાની આતંકવાદીઓએ એક પછી એક વિસ્તારો કબજે કરવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું હોવાનો દાવો પણ અધિકારીઓએ કર્યો હતો. અમેરિકન અધિકારીઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકી કમાન્ડર્સની ગેરહાજરીમાં તાલિબાની આતંકવાદીઓ બેફામ બનીને અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં ભયાનક આતંકવાદી હુમલા કરશે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પડી ભાંગશે અને અફઘાન સરકારને ઘૂંટણિયે પાડી દેવા માટે તાલિબાની આતંકવાદીઓ કાબુલને ધમરોળી નાખશે.

(5:23 pm IST)