Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વૈજ્ઞાનિકોની સલાહ

રસી મુકાવ્યા પછી મોટાભાગના લોકોને એન્ટીબોડી ટેસ્ટની જરૂર નથી

રસી મુકાવી ચૂકેલ લોકોએ બિનજરૂરી એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જ નહીં

ન્યુયોર્ક તા. ૨૬ : દુનિયાભરમાં કોરોનાના બંને ડોઝ લઇ ચૂકેલા ઘણા લોકોમાં હાલમાં એન્ટીબોડી બાબતે ઉત્સુકતા વધી ગઇ છે. તેઓ પૂછી રહ્યા છે કે હવે તેઓ પોતાને કોરોનાથી સુરક્ષિત માને કે નહીં, સાથે જ એન્ટીબોડીનું લેવલ જાણવા કયો ટેસ્ટ કરાવવો જોઇએ.

આ બાબતે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બંને ડોઝ લઇ લીધા હોય તેવા મોટાભાગના લોકો સુરક્ષિત છે તેમ છતાં યોગ્ય સમયે યોગ્ય ટેસ્ટથી એન્ટીબોડી અંગે સાચો જવાબ મળી શકે છે. રસી મુકાવ્યા પછી થોડા દિવસમાં થયેલ ટેસ્ટ અથવા ખોટો એન્ટીબોડી ટેસ્ટ બંને ફાયદાકારક નથી.

વૈજ્ઞાનિકો અનુસાર સામાન્ય રીતે રસી લઇ ચૂકેલ વ્યકિતએ બિનજરૂરી એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જ ના જોઇએ, તેમનું કહેવું છે કે કલીનીકલ ટ્રાયલોમાં બધા ભાગ લેનારાઓમાં પુરતા પ્રમાણમાં એન્ટીબોડી બનવાનું સાબિત થઇ ચૂકયું છે. યેલ યુનિવર્સિટીમાં એન્ટીબોડી નિષ્ણાંત અકિકો ઇવાસાકી અનુસાર મોટાભાગના લોકોએ રસી મુકાવ્યા પછી એન્ટીબોડીની ચિંતા કરવી જ ના જોઇએ, જો કે નબળી ઇમ્યુનસીસ્ટમવાળા માટે એ જાણવું મહત્વપૂર્ણ બની શકે છે.

ઇવાસાકી જણાવે છે કે જો તમે એન્ટીબોડી ટેસ્ટ કરાવવા ઇચ્છતા હો અથવા તો તમારા માટે જરૂરી હોય તો યોગ્ય ટેસ્ટ કરાવો. તેણીનું કહેવું છે કે ઘણાં ડોકટરોને પણ અલગ-અલગ એન્ટીબોડી ટેસ્ટમાં શું ફરક છે તેની જાણ નથી. રેપિડ ટેસ્ટમાં સામાન્ય હા અથવા ના માં જવાબ મળે છે તેમાં એન્ટીબોડીનું લેવલ કેટલું છે તે જાણવા નથી મળતું. ફાઇઝર અથવા મોડર્ના રસી મુકાવનાર લોકોએ એન્ટીબોડી ટેસ્ટ માટે ઓછામાં ઓછા બે અઠવાડિયા રાહ જોવી જોઇએ.

જોન્સન એન્ડ જોન્સનની રસી મુકાવનાર ચાર અઠવાડિયા પછી ટેસ્ટ કરાવે તો સારા પરિણામો મળશે.

(2:52 pm IST)