Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કોરોના મહામારી વચ્ચે લોકો પોતાના આરોગ્ય માટે બન્યા વધુ સજાગ

નવી દિલ્હી: કોરોના મહામારીથી લોકો પોતાના આરોગ્ય માટે વધુ સજાગ બન્યા છે અને તેઓ આરોગ્ય પર સતત નજર રાખવા માટે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ તરફ વળ્યા છે. લોકોમાં હેલ્થકેર, સામાજિક પ્રવૃત્તિ, માનસિક આરોગ્ય સપોર્ટ અને ફિટનેસ સહિત આરોગ્ય સંભાળ માટે હોમ બેસ્ડ ટેકનોલોજીને હવે સ્વીકારી રહ્યાં છે. આમ હવે લોકો રિમોટ હેલ્થ મોનિટરિંગ તરફ વળ્યાં છે. કોરોના મહામારી પહેલા વૃદ્ધ લોકોમાં આરોગ્ય અને વેલનેસ માટે હોમ બેસ્ડ ડિજિટલ ટેકનોલોજીનો ટ્રેન્ડ ચાલુ થયો હતો. રો સેન્સર ડેટાના અર્થઘટન માટે મશીન લર્નિંગમાં પ્રગતિ તથા બાયોમેટ્રિક અને પર્યાવરણી સેન્સર્સના વિકાસ સાથે ઘેર બેઠા આરોગ્ય સંભાળ કરવાના ટ્રેન્ડને વધુ વેગ મળ્યો હતો. અમેરિકા સ્થિત માર્કેટ રિસર્ચ કંપની સ્ટ્રેટેજી એનાલિટીક્સના નવા રિપોર્ટમાં બહાર આવ્યું છે કે કોરોના મહામારીથી આ ટ્રેન્ડ મોટો વેગ મળ્યો છે. તેનાથી હેલ્થકેરની પરંપરાગત પદ્ધતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. આરોગ્ય સંભાળ માટેના ડિજિટલ સોલ્યુશન ઝડપથી નિયમનકારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને વીમા કંપનીઓ હવે રિમોટ કેર અને વર્ચ્યુઅલ વિઝિટ માટે પણ દર્દીઓના વીમાના દાવા સ્વીકારીને પેમેન્ટ કરી રહી છે.

(5:50 pm IST)