Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વૈજ્ઞાનિકોએ પકડયો ૧૮ ફુટ લાંબો વિશાળકાય અજગર

પેટમાં ૧૨૨ ઇંડા સાથે એવી વસ્‍તુ મળી કે બધા રહી ગયા દંગ

ફલોરિડા,તા. ૨૫ : તમે ઘણી ફિલ્‍મોમાં વિશાળકાય અજગર જોયા જ હશે, જે ઘણા પ્રાણીઓ અને ક્‍યારેક માણસોને પણ જીવતા ગળી જાય છે. જો કે આવા તમામ જીવો કોમ્‍પ્‍યુટર ગ્રાફિક્‍સની મદદથી બનાવવામાં આવ્‍યા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે થોડા સમય પહેલા અમેરિકામાં આટલો મોટો અજગર પકડાયો છે કે જયારે તમને તેની ખબર પડશે તો તમે તેને નકલી ગણશો અથવા તો તમે આ સમાચારને નકલી માનવા લાગશો.
અમેરિકાના ફલોરિડામાં વૈજ્ઞાનિકોએ ૧૮ ફૂટ લાંબો અજગર પકડ્‍યો છે. વૈજ્ઞાનિકોના મતે, આ તેમના દ્વારા પકડાયેલો અત્‍યાર સુધીનો સૌથી મોટો બર્મીઝ પાયથોન છે. સાઉથવેસ્‍ટ ફલોરિડાની કન્‍ઝર્વન્‍સી એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓએ ગયા વર્ષે ડિસેમ્‍બરમાં યુએસમાં એવરગ્‍લેડ્‍સમાંથી એક વિશાળ અજગર પકડ્‍યો હતો, જેને એપ્રિલ સુધી ફ્રીઝરમાં રાખવામાં આવ્‍યો હતો. એપીના રિપોર્ટ અનુસાર, આ અજગરનું વજન લગભગ ૧૦૦ કિલો છે
અજગરના નેક્રોપ્‍સીથી જાણવા મળ્‍યું કે તેના પેટમાં ૧૨૨ ઇંડા છે. કન્‍ઝર્વન્‍સીના જણાવ્‍યા અનુસાર, આ અત્‍યાર સુધીનો રેકોર્ડ છે કે માદા અજગરના પેટમાંથી એક સમયે આટલા ઈંડા મળી આવ્‍યા છે.
આ અજગરને પકડવા માટે વૈજ્ઞાનિકોને ૨૦ મિનિટ સુધી લડાઈ લડવી પડી હતી, ત્‍યારબાદ તેઓ તેને પકડવામાં સફળ રહ્યા હતા. વૈજ્ઞાનિકોને અજગરના પેટમાં વધુ એક આશ્ચર્યજનક વસ્‍તુ મળી. તેઓને તેના પેટમાં હરણના પગના ટુકડા મળ્‍યા, જે દર્શાવે છે કે જયારે તેને પકડવામાં આવ્‍યો ત્‍યારે થોડા સમય પહેલા તેણે હરણનો શિકાર કર્યો હોવો જોઈએ.
કન્‍ઝર્વન્‍સીના એન્‍વાયર્નમેન્‍ટલ સાયન્‍સ પ્રોજેક્‍ટ મેનેજર ઇયાન બાર્ટોઝેકે જણાવ્‍યું હતું કે તેમની સંસ્‍થાએ વર્ષ ૨૦૧૩થી અજગરને દૂર કરવાનો પ્રોજેક્‍ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્‍ટ અનુસાર, માદા અજગરને આ ઇકોસિસ્‍ટમમાંથી દૂર કરવામાં આવે છે જેથી કરીને અન્‍ય જીવોને જીવવાનો મોકો મળે અને તેમને ખાવા માટે ખોરાક મળે જે આ લોકો ખાય છે. અત્‍યાર સુધીમાં સાઉથવેસ્‍ટ ફલોરિડાના વિસ્‍તારમાંથી લગભગ ૧૦૦૦ અજગર દૂર કરવામાં આવ્‍યા છે.

 

(10:45 am IST)