Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અમેરિકાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી એચ-1બી વિઝા અરજી રજૂ કરવા માટે આપી મંજૂરી

નવી દિલ્હી: અમેરિકાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી એચ-૧બી વિઝા અરજી રજૂ કરવા મંજૂરી આપી છે. જોકે, ફેડરલ એજન્સીના જણાવ્યા મુજબ ભારતીય આઈટી વ્યાવસાયિકોમાં સૌથી વધુ માગ ધરાવતા આ નોન-ઈમિગ્રન્ટ વિઝાની અરજી પ્રારંભિક રજિસ્ટ્રેશન સમયના આધારે રદ કરાઈ હોય તેવા વ્યાવસાયિકોને જ ફરીથી એચ-૧બી વિઝા અરજી કરવા મંજૂરી આપવામાં આવી છે. એચ-૧બી વિઝા અમેરિકન કંપનીઓને વિશેષ કામગીરી માટે વિદેશી ટેકનિકલ નિષ્ણાતોને નોકરી પર રાખવા સક્ષમ બનાવે છે.

યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ)ના જણાવ્યા મુજબ જે વ્યાવસાયિકોની અરજીઓ ૧લી ઑક્ટોબર ૨૦૨૦ પછી રજૂ થવાના કારણે રદ કરાઈ હોય તેવા વિદેશી વ્યાવસાયિકોને જ ફરીથી અરજી કરવા મંજૂરી અપાઈ છે. જોકે, આ વ્યાવસાયિકોએ ૧લી ઑક્ટોબર ૨૦૨૧ ુપહેલાં ફરીથી અરજી કરવાની રહેશે. તેમની અરજીઓ યોગ્ય રીતે રજૂ કરાશે તો અમે અસલ રિસિપ્ટ તારીખે અરજી દાખલ કરાઈ હોવાનું ધ્યાનમાં લઈશું. અમેરિકામાં ટેક્નોલોજી કંપનીઓ એચ-૧બી વિઝાના આધારે ભારત અને ચીન જેવા દેશોમાંથી પ્રત્યેક વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે.

(6:28 pm IST)