Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

બીજા વિશ્વયુદ્ધના સાક્ષી અને હિટલરના પાલતુ મગર Saturn મોત

અનેકવાર મોતને આપી હાથતાળી

મોસ્કો, તા. ૨૪: અમેરિકામાં જન્મેલા અને બીજા વિશ્વયુદ્ધની ખુવારી પછી રશિયાના મોસ્કો ઝૂમાં જિંદગી પસાર કરનાર ૮૪ વર્ષના મગર Saturn મોત થઈ ગયું હતું. એવું કહેવામાં આવે છે કે, આ મગર એક સમયે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરનો પાલતુ મગર હતો. જો કે, આ વાતની કોઈ સાબિતી નથી પરંતુ તેમ છતાં આ મગર ખૂબ જ ફેમસ રહ્યો હતો. આ મગર ૧૯૪૩માં બર્લિનના ઝૂ પર થયેલી બોમ્બવર્ષામાં બચેલા કેટલાક જાનવરો પૈકીનો એક છે. સામાન્ય રીતે એક મગરનું આયુષ્ય ૩૦ થી ૫૦ વર્ષ સુધીનું હોય છે. જ્યારે Saturn સામાન્ય મગર કરતાં પણ લાંબુ આયુષ્ય ભોગવીને મોતને ભેટ્યો છે.

એવું કહેવામાં આવે છે કે, બર્લિનના ઝૂમાં આ મગર આકર્ષણનું કેન્દ્ર હતો. મોસ્કો ઝૂના વેટરિનેરિયન દમિત્રી વસિલ્યેવનું કહેવું છે કે એ વાતમાં કોઈ જ શંકા નથી કે હિટલરને આ મગર ખૂબ જ પસંદ હતો. સમય સાથે એવી અફવા ફેલાવા લાગી હતી તે હિટલરનો ખૂબ જ ખાસ હતો. જો કે, આ વાતની કોઈ જ સાબિતી નથી મળી. પોતાની જિંદગીના છેલ્લા વર્ષ મોસ્કો ઝૂમાં પસાર કરનાર Saturnએ અનેકવાર મોતને હાથતાળી આપી હતી. ૧૯૮૦માં તે ક્રોક્રિટના સ્લેબ નીચે દબાતા બચ્યો હતો તો એક વિઝિટરે તેને પથ્થર પણ માર્યા હતાં. જેથી તે અનેક મહિનાઓ સુધી ઘાયલ જ રહ્યો હતો. બે વાર તો ગુસ્સામાં તેણે ખાવાપીવાનું પણ છોડી દીધું હતું.

Saturn નો જન્મ ૧૯૩૬માં મિસીસિપીના જંગલમાં થયો હતો અને તેને બર્લિન મોકલવામાં આવ્યો હતો. નવેમ્બર ૧૯૪૩માં અહીં બોમ્બવર્ષા થઈ જે પછીથી એ ૩ વર્ષ સુધી ગાયબ જ રહ્યો હતો. જો કે, બ્રિટીશ સૈનિકોને તે મળી આવ્યો. આ મગર ૩ વર્ષ ક્યાં રહ્યો હતો તે કોઈને જ જાણ નથી એવું કહેવામાં આવે છે કે તે બેઝમેન્ટ, અંધારા ભંડકિયા તેમજ ગટરમાં છુપાયેલો હશે. અમુક લોકો તો એવું પણ માનતા હતા કે એક સીનિયર નાઝીએ તેને પાળ્યો હતો.

એવું પણ કહેવાય છે કે ૧૯૯૦માં જ્યારે સોવિયત યુનિયન ભાંગી પડ્યું ત્યારે Saturnની આંખમાં આંસુ જોવા મળ્યા હતા કારણ કે તેને રશિયાના સંસદ પર થયેલા એ હુમલાથી બર્લિન ધમાકાની યાદ આવતી હતી. તેની યાદમાં જ મોસ્કો ઝૂએ કહ્યું કે, Saturn એક યુગ જેવો હતો. તે (જંગમાં) જીતીને આવ્યો હતો. અને જંગની ૭૫મી વર્ષગાંઠ પણ જોઈને ગયો. અમારામાંથી અનેક લોકો એવા પણ હતા જ્યારે બાળક હતા અને Saturn ને જોયો હોય.

(2:57 pm IST)