Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પાકમાં અહેમદિયાઓની ઐતિહાસિક મસ્જિદનો ભૂક્કો બોલાવાયો

ઇસ્લામાબાદ તા. ૨૫ : પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં સુન્ની કટ્ટરવાદીઓએ લઘુમતી લેખાતા અહેમદિયા સમુદાયની ઐતિહાસિક મસ્જિદ તોડી નાખી હતી. મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં લઘુમતી મુસ્લિમ સંપ્રદાયની મસ્જિદને ધ્વંસ કરવાની ઘણી ઘટનાઓમાં ૨૩મી મેનો હુમલો છેલ્લામાં છેલ્લો છે.

અહેમદિયાઓને પજવવાની અને જુલમ ગુજારવાની ઘટનાઓ ઘણી બને છે. પાકિસ્તાનના માજી વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુત્ત્।ોના શાસનમાં ૧૯૭૪માં બંધારણમાં સુધારાવધારા અને ફેરફાર કરીને અહેમદિયાઓને બિન-મુસ્લિમ ઘોષિત કરાયા હતા.

સિયાલકોટ ખાતે ૨૩મી મેએ લોકોનાં ટોળાએ અહેમદિયા ફીરકાના મુસ્લિમોને હેરાન કરવાની છેલ્લામાં છેલ્લી ઘટના બની છે.

સ્થાનિક સુધરાઈ વહીવટીતંત્રએ એક અહેમદિયા અનુયાયીની ખાનગી મિલ્કત તોડી પાડવાનું આરંભતા અંદાજે ૬૦૦ બદમાશોએ બાજુની એક મસ્જિદને તોડી પાડી હતી. તેમના પ્રવકતા સલીમુદ્દીને એક નિવેદનમાં કહ્યું કે લોકોનાં ટોળાંએ અંદાજે ૧૧ વાગ્યાની આજુબાજુ ઐતિહાસિક મસ્જિદ પર આરંભેલો હુમલો ૩ વાગ્યા સુધી ચાલ્યો હતો. અમારા સમુદાય માટે તેનું ભારે મહત્ત્વ છે. પોલીસે બધું ખેદાનમેદાન થતું નિહાળ્યું અને હુમલો રોકવા કંઈ જ ન કર્યું. આ સમુદાય પર સઉદી અરેબિયાની હજયાત્રા કરવાની પણ પાબંદી છે. તેમને પોતાના સંપ્રદાયનો પ્રચાર કરવાની પણ મંજૂરી નથી.

(11:52 am IST)