Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ન્યુયોર્કમાં 1902માં બનેલ આ 22 માળની બિલ્ડિંગની થઇ હરાજી

નવી દિલ્હી: ન્યૂયોર્કની પ્રતિષ્ઠિત ફ્લેટિરોન બિલ્ડિંગ તેના સ્લિમ અને ત્રિકોણાકાર આકાર માટે પ્રખ્યાત છે. આ બિલ્ડિંગને કોર્ટ દ્વારા આદેશિત હરાજીમાં 190 મિલિયન ડોલરમાં વેચવામાં આવી છે. આ 22 માળની ગગનચુંબી ઈમારત વર્ષ 1902માં બાંધવામાં આવી હતી. આ હરાજીમાં બોલીની શરૂઆત 50 મિલિયન ડોલરથી થઈ હતી અને હરાજી દરમિયાન શરૂઆતની કિંમત કરતાં લગભગ ચાર ગણી કિંમતે આ બિલ્ડિંગ વેચાઈ હતી. અબ્રાહમ ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના મેનેજિંગ પાર્ટનર જેકબ ગાર્લિકે જણાવ્યું હતું કે, "જયારે હું 14 વર્ષનો હતો ત્યારથી આ મારું સપનું હતું." જેકબ ગાર્લિકે હજુ સુધી જાહેર નથી કર્યું કે તે આ ઐતિહાસિક ઇમારત સાથે શું કરવાની યોજના બનાવી રહ્યા છે. મેનહેટનમાં ફિફ્થ એવન્યુ બ્રોડવે અને ઇસ્ટ 22 સ્ટ્રીટમાં ફેલાયેલ ફ્લેટિરોન 2019થી ખાલી છે. જ્યારે તેના છેલ્લા ભાડૂત મેકમિલિયન પબ્લિશર્સ હતા. હરાજી પહેલા ઇમારત પર રિયલ એસ્ટેટ કંપનીઓના કન્સોર્ટિયમની માલિકી હતી જેઓ તેના નવીનીકરણ અંગે અસંમત હતા. આ પક્ષકારો વચ્ચે મુકદ્દમા અને પ્રતિવાદ પછી ન્યાયાધીશે બિલ્ડિંગને હરાજી બ્લોક પર મૂકવાનો આદેશ આપ્યો. બુધવારે બિલ્ડિંગની હરાજી કરનાર મેથ્યુ મેનિયને જણાવ્યું હતું કે ગાર્લિકે શુક્રવારે વેપાર બંધ થતાં સુધીમાં બોલીના 10 ટકા ચૂકવવા પડશે નહીં તો બિલ્ડિંગ બીજા સૌથી વધુ બોલી લગાવનારને આપવામાં આવશે.

(6:50 pm IST)