Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રશિયાની સરહદ પર રહેવા માટે અમેરિકાના 8500 સૈનિક હાઇ એલર્ટ પર રહ્યા

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનું જોખમ સતત વધી રહ્યું છે. એને જોતાં અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને 8,500 અમેરિકન સૈનિકને પૂર્વી યુરોપમાં તહેનાત કરવા માટે 'હાઈ એલર્ટ' પર રાખ્યા છે. પેન્ટાગોનના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે આ સૈનિકોમાં લડાયક ટીમના સભ્યો, આરોગ્યકર્મચારીઓ, ગુપ્તચર અને સર્વેલન્સ ટીમના સભ્યોનો સમાવેશ થાય છે. જોન કિર્બીએ કહ્યું, 'અત્યારસુધી આ સૈનિકોની તહેનાતી માટે કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી, ન તો તેમને કોઈ મિશન સોંપવામાં આવ્યું છે. જોકે પૂર્વ યુરોપમાં નાટોને મજબૂત કરવા માટે યુએસ સૈનિકો તહેનાત કરી શકાય છે. યુરોપમાં વધારાના અમેરિકાના સૈનિકોને તહેનાત કરવાનો નિર્ણય નાટો દ્વારા જ લેવામાં આવશે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેન પર હુમલાની સ્થિતિમાં ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. જોનસનનું આ નિવેદન રશિયન સૈન્યે ફેબ્રુઆરીમાં આયર્લેન્ડના દરિયાકાંઠેથી 150 માઇલ દૂર દરિયાઇ સૈન્ય યુદ્ધાભ્યાસની જાહેરાત કર્યા પછી આવ્યું છે. રશિયાના એટલાન્ટિક, પેસિફિક, ભૂમધ્ય અને ઉત્તર સમુદ્રમાં એનાં 140 યુદ્ધ-જહાજો સાથે યુદ્ધાભ્યાસની જાહેરાત કરી છે.

(6:03 pm IST)