Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

બંને હાથ નથી તો શું થયું? માત્ર દાઢીથી સ્નૂકર રમે છે આ યુવાન

જે અવ્વલ દરજ્જાનું સ્નૂકર રમે છે પ્રોફેશનલ પ્લેયરો પણ એની સામે પાણી ભરે છે

કરાંચી, તા.૨૪: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેતા ૩૨ વર્ષના મોહમ્મદ ઇકરામના જઝબાને જોઈને સલામ કરવાનું મન થઈ આવશે. ઇકરામને બન્ને હાથ નથી છતાં તે પોતાની ગરદન અને દાઢીનો ઉપયોગ કરીને જે રીતે સ્નૂકર રમે છે એ જોઈને ભલભલ દંગ રહી જાય છે. એક ગરીબ પરિવારમાં જયાં નવ ભાઈબહેનોની વચ્ચે જન્મેલો ઇકરામ ખૂબ અછતમાં ઉછર્યો છે અને ભણી શકયો નથી. જોકે તેની પાસ્ટ-ટાઇમ એકિટવિટીએ તેને જબરી ફેમ અપાવી દીધી છે. તેને ઘણા વર્ષોથી સ્નૂકરની ગેમ ટીવી પર જોયા કરવાની આદત પડી ગયેલી. કયાંથી તેને આ ચસકો લાગ્યો એ તેને યાદ નથી, પરંતુ જોતાં-જોતાં તેણે જાતે ગરદન-દાઢીનો ઉપયોગ કરીને સ્નૂકરના સ્ટ્રોકસ મારવાનું શીખી લીધું. હવે તે જે અવ્વલ દરજ્જાનું સ્નૂકર રમે છે કે પ્રોફેશનલ પ્લેયરો પણ એની સામે પાણી ભરે છે. લગભગ આઠ વર્ષથી તે દાઢીથી સ્નૂકર બોલને ચોક્કસ દિશામાં પુશ કરવાની પ્રેકિટસ કરતો આવ્યો છે અને હવે એમાં તેની જબરી હથરોટી આવી ગઈ છે. પાકિસ્તાનના કયુમાસ્ટર સ્નૂકર કલબના મિયાં ઉસ્માન અહમદનું કહેવું છે કે તેમની કલબ વતી ઇકરામ સ્નૂકર ટુર્નામેન્ટમાં અનેક ઇનામો અને ટ્રોફીઓ પણ જીતી લાવ્યો છે. હાથ ન હોવા છતાં તે સ્નૂકર બોર્ડ પર બીજા કોઈનીયે હેલ્પ લેતો નથી અને જાતે જ બોડી અને ગરદનને સ્ટ્રેચ કરીને સ્ટ્રોકસ મારે છે.

(12:39 pm IST)