Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

૪૦ વર્ષની આ મહિલા છે ૪૪ બાળકોની માતા!

આફ્રિકાની મોસ્ટ ફર્ટાઇલ વુમન : ત્રણ વખત ચાર-ચાર બાળકોને જન્મ આપ્યો

લંડન તા. ૨૪ : મરિયમ નાબન્ટેજીની ઉંમર ૪૦ વર્ષ છે. તે યુગાન્ડાના મુકોનો જિલ્લામાં રહે છે. તેમને સમગ્ર આફ્રિકાની 'મોસ્ટ ફર્ટાઈલ વુમન' ગણવામાં આવે છે. આનું એક ખાસ કારણ છે. મરિયમે છેલ્લા ૧૮ વર્ષમાં ૪૪ બાળકોને જન્મ આપ્યો છે.

મરિયમના ગામના લોકો તેને 'નાલોગો મુજાલા બના' કહીને બોલાવે છે. આનો અર્થ થાય છે જુડવા માતા જે ચાર-ચાર બાળકો પેદા કરી શકે છે. મરિયમને આ નામ એમ જ નથી મળ્યું. તે ૪૦ વર્ષની ઉંમરમાં ૧૮ વખત પ્રેગ્નેન્ટ રહી છે. આ દરમિયાન તેણે ૬ વખત જુડવા બાળકોને જન્મ આપ્યા છે જયારે ૪ વાર ત્રણ-ત્રણ અને ત્રણ વાર ચાર-ચાર બાળકોને જન્મ આપી ચૂકી છે.

જોકે, મરિયમના ૪૪ બાળકોમાંથી હાલ ૩૮ જ રહ્યાં છે. છ બાળકોના મોત થઈ ચૂકયા છે. બધા એક જ પરિવારમાં રહે છે. મરિયમનો પતિ પરિવારથી અલગ રહીને રોજગાર કમાય છે અને કયારેક-કયારેક જ આવે છે. આવામાં મરિયમ પોતે જ આ બાળકોનું ભરણપોષણ કરે છે. મરિયમ જયારે ૧૨ વર્ષની હતી ત્યારે જ એક ૨૮ વર્ષના વ્યકિત સાથે તેના લગ્ન કરી દેવાયા હતા.

મરિયમનું બાળપણ બહુ સારું નહોતું. તે કહે છે કે, એકવાર તેની સાવકી માતાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે જમવામાં કાચના નાના-નાના ટૂકડા ભેળવી દીધા હતા. મરિયમને થેની સાવકી મા ખૂબ મારતી હતી અને તેનાથી છૂટકારો મેળવવા જ મરિયમે નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. બાદમાં તેનો પતિ પણ તેને ખૂબ મારતો હતો.

મરિયમે યુગાંડાના એક અખબાર 'ડેવી મોનિટર' સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'હું ૧૩ વર્ષની ઉંમરે પહેલીવાર પ્રેગ્નેટ બની હતી અને જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. એક વર્ષ બાદ મેં ત્રણ અને તેના એક વર્ષ પછી ચાર બાળકોને જન્મ આપ્યો. લોકો માટે આ ખૂબ ચોંકાવનારી વાત હતી પણ મારા માટે નહીં, કારણ કે, અમે ૪૫ ભાઈ-બહેન હતા. હું મારા પરિવારમાં આ બધું જોઈ ચૂકી છું.'

યુગાંડાના મુલાગો હોસ્પિટલની ડો. ચાર્લ્સ કિંગ્ગુડુ કહે છે કે, 'મરિયમના એકસ્ટ્રીમ ફર્ટાઈલ હોવા પાછળ જેનેટિક કારણ હોઈ શકે છે.' મરિયમ પોતે ઈચ્છતી હતી કે, તેના છ બાળકો થાય પણ જયારે તે છઠ્ઠી વાર પ્રેગ્નેન્ટ થઈ ત્યાં સુધી ૧૮ બાળકોની માતા બની ચૂકી હતી. હવે તે બાળકો ઈચ્છતી નહોતી પણ જયારે તે ડોકટર પાસે ગઈ તો અલગ જ વાત સામે આવી.

જનરલ હોસ્પિટલના ડો. અહમદ કિકોમેકો જણાવે છે કે, 'મરિયમના શરીરમાં અનફર્ટિલાઈઝડ એગ્સને જમા કરવાથી ન માત્ર પ્રજનન ક્ષમતા ખતમ થવાનો ખતરો થઈ શકે છે પણ તેના જીવને પણ જોખમ થઈ શકે છે.' મરિયમે બીજા ગર્ભ નિરોધક ઉપાયો દ્વારા પ્રેગ્નેન્સી રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેની તબિયત બગડી અને તેને ૧ મહિનો કોમામાં રહેવું પડ્યું.

મરિયમ જયારે ૨૩ વર્ષની થઈ ત્યારે તેના ૨૫ બાળકો હતા. તે ફરી વખત હોસ્પિટલ ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે, તેના એગ્સ કાઉન્ટ ખૂબ વધારે છે. મરિયમની ફર્ટિલિટી આખરે ૪૪મા બાળકના જન્મ બાદ ડિસેમ્બર ૨૦૧૬માં ખતમ થઈ. પતિ કયારેક-કયારેક જ ઘરે આવતો હોઈ બાળકોના ઉછેર માટે મરિયમ મજૂરીથી માંડીને જડી-બૂટી વેચવાનું અને મહિલાઓને સજાવવાના દરેક કામ કરે છે.(૨૧.૧૮)

(3:42 pm IST)