Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ન્યૂયોર્કમાં ભારે વરસાદઃ પૂરઃ રસ્તાઓ નદીઓમાં ફેરવાયા

બ્રુકલીન કિવનસ અને ન્યુજર્સીમાં ભારે વરસાદઃ કારો તણાઈઃ કચરો પાણી ઉપર તરતો થયોઃ નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસ્યા

અમેરિકામાં પહેલાં પ્રચંડ ગરમી બાદ હવે ભારે વરસાદને પગલે પૂર આવ્યું છે. છેલ્લાં ૨૪ કલાકમાં બ્રુકલીન કિવનસ અને ન્યૂજર્સીમાં અનરાધાર વરસાદ પડતાં વિનાશકારી પૂર આવ્યું છે. ભારે વરસાદને પગલે ન્યૂયોર્કના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. આ પહેલાં ન્યૂયોર્કમાં પ્રચંડ હીટવેવ ફેલાયું હતું જેને પગલે અંધારપટ છવાયો હતો.

હીટવેવ બાદ વરસાદ અને પૂર ન્યૂયોર્કવાસીઓની રાહ જોઈને બેઠુ હતુ. સોમવારે રાત્રે બ્રુકલીન કિવનસ અને ન્યૂજર્સીમાં ભારે વરસાદને પગલે પૂર આવતા સબવે સ્ટેશનો ડૂબ્યા હતા. ઠેકઠેકાણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. લોકો પાણીમાંથી પોતાના વાહનોને બહાર કાઢતા દેખાયા હતા.

બ્રુકલીનના બીજા ભાગોમાં પાર્ક થયેલી કાર્સ પાણીમાં ડૂબી ગઈ હતી. પૂરને પગલે શેરીઓમાં કચરાના ઢગલાં પાણી પર તરતાં જોવા મળ્યા હતા. કિવનસના લાંબા અંતરના હાઈવે જળબંબાકાર બન્યો હતો. ન્યૂજર્સી શહેરમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો.

નેશનલ વેધર સર્વિસે હજુ પણ ભારે વરસાદ અને પૂરની ચેતવણી જારી કરી છે. ન્યૂયોર્ક સિટી સ્પીકર જોન્સને જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ વિભાગે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉચેલવાનું શરૂ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે કેટલાંક ઘરોમાં પાણી ઘૂસ્યું હતું. શહેરનો કચરો પાણી પર તરતો જોવા મળ્યો હતો. જેના નિકાલ માટે ત્વરીત કામગીરી શરૂ કરાઈ છે.

(1:20 pm IST)