Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

''ઘી''માં વીટામીન એ- ઇ અને એન્ટી- ઓકસીડન્ટનો ભંડાર

વીટામીન્સ અને મીનરલ્સ શોષવામાં ઘી મદદરૂપ બને છેઃ કોઇપણ પ્રકારની તકલીફ ન હોય તેમને ખોરાકમાં ૧૦ ટકા ઘી લેવાથી હૃદયરોગ-ડાયાબીટીસની તકલીફ થતી નથી

ભારત અને મધ્ય પૂર્વમાં માખણને બદલે ઘીનો બહુ ઉપયોગ કરવામાં આવે છે જે ગાય અથવા ભેંસના માખણને ઉકાળીને બનાવવામાં આવે છે.

સાઉથ ડાકોટા સ્ટેટ યુનિવર્સિટીના ફાર્મેકોલોજીના પ્રોફેસર ચંદ્રધર દ્વિવેદી કહે છે કલેરીફાઇડ બટર ઘી જેવું જ હોય છે પણ તેને વધારે ગરમી આપીને બનાવવામાં આવે છે. જયારે ઘીને ૧૦૦ સે. અથવા તેનાથી ઓછી ગરમીમાં બનાવવામાં આવે છે.

કેટલાક પ્રકારના કલેરીફાઇડ બટર કરતા ઘી બનાવવામાં વધારે સમય લાગે છે પણ તે ઓછા તાપમાને તૈયાર થતું હોવાથી તેમાં વીટામીનો અને ન્યુટ્રીઅન્ટસ વધારે પ્રમાણમાં જળવાઇ રહે છે. પ્રોફેસર ગંગાધરના કહેવા અનુસાર ઘી એ વીટામીન ઇ, વીટમીન એ, એન્ટીઓકસીડેન્ટ અને અન્ય ઓર્ગેનીક કંપાઉન્ડનો સ્ત્રોત છે. પણ જો તેને વધારે પ્રમાણમાં ગરમ કરવામાં આવે તો આ બધાનું પ્રમાણ ઘટે છે અથવા તેનો નાશ થાય છે.

દ્વિવેદી કહે છે કે ઘી એ ૬૦૦૦ વર્ષ જૂની આયુર્વેદીક ચિકીત્સા મહત્વનો ભાગ ગણાય છે અને હાલના વિજ્ઞાનમાં પણ સાબિત થયેલું છે કે કેટલાક આરોગ્યપ્રદ વિટામીનો અને મીનરલ્સને શરીરમાં શોષવામાં ઘી મદદરૂપ થાય છે. તેઓ કહે છે કે ઘી માં બનાવેલ શાકભાજી અથવા ખાદ્ય પદાર્થોમાં રહેલા તત્વો શરીરમાં યોગ્ય રીતે શોષાય છે, વળી તેનો સ્વાદ પણ ભાવે તેવો હોવાથી તે ખાવામાં સારૃં લાગે છે.

પ્રોફેસર દ્વિવેદીએ ઉંદરો પર કરેલા ઘણા બધા સંશોધનો પછી તેમનું કહેવું છે કે અમારા નિષ્કર્ષો પરથી એમ કહી શકાય કે જેમને કોઇપણ પ્રકારની તકલીફ ન હોય તેવા લોકો જો ખોરાકમાં ૧૦ ટકા ઘી લે તો તેમને હૃદયરોગ કે ડાયાબીટીસની તકલીફ નથી થતી પણ જેમને કોઇ વારસાગત તકલીફો હોય તો ૧૦ ટકા ઘી તેમના માટે નુકસાન કારક બની શકે.

નોર્થ કેરોલીના ગીલીંગ્સ સ્કલ ઓફ ગ્લોબલ પબ્લીક હેલ્થના ન્યુટ્રીશનના પ્રોફેસર રોસાલીન્ડ કોલમેન કહે છે કે પુખ્ત વયના વ્યકિતઓ માટે ઘી પચાવવું સહેલું છે. ઉપરાંત ઘી નું બળવા માટેનું ઉષ્ણતામાન માખણ કરતાં ઉંચુ હોવાથી તે રસોઇ માટે વધુ આરોગ્યપ્રદ છે. પણ તેણી એવું પણ કહે છે કે તેનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જોઇએ.

ટુંકમાં એવું કહી શકાય કે તમે તંદુરસ્ત હો અને તમારા ખોરાકમાં ચરબી ઉમેરવા માંગતા હો તો ઘી એક સારો વિકલ્પ છે. પણ એવી કોઇ સાબિતીઓ નથી કે તમારા ખોરાકમાંથી બીજા બધા ચરબી યુકત પદાર્થો દુર કરીને ફકત ઘી ને જ સુપરફુડ ગણીને તેનો ઉપયોગ કરવો જોઇએ. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(11:48 am IST)