Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ટેણીયાઅે ભારે કરી ! પોતાની માતાનું ક્રેડિટ કાર્ડ ચોરી વિદેશ જઇ આવ્યોઃ પાંચ દિવસ સુધી લકઝરીયસ હોટલમાં જલ્સા કર્યા

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના એક 12 વર્ષના બાળકે તેની માતાનું ક્રેડિટ કાર્ડ ચોરીને એવી ધમાલ મચાવી દીધી કે તેનો પરિવાર હજી આઘાતમાં છે. આ કિસ્સો વાંચીને તમે પણ કહેશો કે, ખરેખર આ છોકરો ભવિષ્યમાં ક્યાંય પાછો નહિ પડે.

ડ્રૂ નામના આ બાળકનો તેની માતા એમ્મા સાથે ઝઘડો થયો હતો અને તેને ગુસ્સો આવતા તેણે તેની માતાનું ક્રેડિટ કાર્ડ ચોરી લીધું. પહેલાં તો સસ્તી ફ્લાઇટ બુક કરાવી અને ઇન્ડોનેશિયા પહોંચી ગયો. અહીં બાલીમાં તેણે એક લક્ઝુરિયસ હોટેલ બુક કરાવી અને પાંચ દિવસ સુધી રહ્યો.

બીજી તરફ તેનાં પેરેન્ટ્સ ચિંતિત હતાં, કારણ કે તે સ્કૂલે ગયા પછી પાછો ફર્યો નહોતો. તેમણે તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, પણ તેમનો આ પુત્ર તો બાલીમાં કોઈ પણ ચિંતા વિના ફરી રહ્યો હતો. જ્યારે તેના પરિવારને જાણવા મળ્યું કે, તે બાલીમાં છે તો તેમના હોશ ઊડી ગયા હતા.

અહેવાલો મુજબ, જ્યારે આ છોકરાને હોટેલ સ્ટાફે પૂછ્યું કે, તું કોની સાથે આવ્યો છું? તો તેના જવાબમાં તેણે એમ કહ્યું કે, તેની બહેન પાછળ આવી રહી છે અને તે વહેલા ચેકઇન માટે આવી ગયો છે. આ રીતે તેણે થોડા દિવસો સુધી હોટેલમાં લક્ઝુરિયિસ સુવિધાઓ ભોગવી.

ચોંકાવનારી વાત એ છે કે, એરપોર્ટ પર તેને કોઈએ સવાલ પણ ન કર્યો અને તેને બાલી ફ્લાઇટમાં જવાની પરવાનગી આપી દીધી. એક ઓસ્ટ્રેલિયન ન્યૂઝચેનલને આ બાળકે કહ્યું કે, ‘હું સેકન્ડરી સ્કૂલનો વિદ્યાર્થી છું તેની સાબિતી માટે હોટેલ સ્ટાફે મારી પાસે મારું સ્ટુડન્ટ આઈડી અને પાસપોર્ટ પણ માગ્યા હતા.

વધુ એક રસપ્રદ વાત એ છે કે, જ્યારે તે ઇન્ડોનેશિયામાં લેન્ડ થયો ત્યારે તેણે એરપોર્ટથી હોટેલ સુધી જવા માટે એક સાઇકલ ભાડે કરી હતી. પાંચેક દિવસ પછી તે બાલીથી ફ્લાઇટમાં બેસી સિડની ઊતર્યો હતો.

(8:16 pm IST)