Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ટ્રાવેલિંગ રોકવાથી નહીં અટકે કોરોના વાયરસ: સંશોધકોનું તારણ

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. જેને લઈને દુનિયાના બીજા અનેક દેશમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આપણા દેશમાં બ્રિટનમાંથી આવતી ફ્લાઈટની ઉડાન અટકાવી દેવામાં આવી છે. માત્ર ભારત જ નહીં નાના મોટા 12 દેશે બ્રિટન સાથેની એરસર્વિસ પર અલ્પવિરામ મૂકી દીધું છે. પણ હવે નિષ્ણાંતો કહે છે કે, પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાથી કોરોના વાયરસ નહીં અટકે. જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં કેસ વધી રહ્યા હતા ત્યારે પરિવહન પર મોટી બ્રેક મારી દેવામાં આવી હતી.

             પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પૂછવામાં આવી હતી. અમેરિકાના તબીબનું કહેવું છે કે, કોરોનાનો નવો સ્ટ્રેન અમેરિકાથી ફેલાયો હોય એવું પણ બની શકે છે. રીપોર્ટ અનુસાર અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટરના પૂર્વ પ્રમુખ સ્કોટ ગોટલિબે જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો નવો સ્ટ્રેન અગાઉ પણ અમેરિકામાં હતો. પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દેવાથી એને અટકાવી શકાશે નહીં. વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. આવનારા સમયમાં આ વાયરસ વેરિયંટ વધુ પ્રમાણમાં જોવા મળશે. અમેરિકાના વાયરલ રોગના નિષ્ણાંત એન્થની ફાઉચીએ કહ્યું હતું કે, કોરોનાનો નવો સ્ટ્રેન પહેલાથી જ અમેરિકામાં હતો આ આશંકા ઘણા અંશે પ્રબળ છે. મહામારી રોગ નિષ્ણાંત શિરા ડોરોન કહે છે કે, મને નથી લાગતું કે, નવો સ્ટ્રેન પહેલાથી જ અમેરિકામાં હોય. લોકો સતત ટ્રાવેલ કરી રહ્યા છે અને અમેરિકામાંથી પણ નવા સ્ટ્રેનની ખાતરી મળી શકે એમ છે. મેસાચુસેટ્સ યુનિ.ના જેરેમી લુબન કહે છે કે, બની શકે છે કે, કોરોના વાયરસનો નવો સ્ટ્રેન અમેરિકાથી જ શરૂ થયો હોય અને બ્રિટનમાં પહેલા ઓળખાયો હોય. બ્રિટનમાં જીનોમ સીક્વેંસિંગ પ્રોગ્રામ દુનિયામાં સૌથી સારો છે અને અમેરિકામાં જીનોમને ઓળખવાની સિસ્ટમ સારી નથી.

(6:00 pm IST)