Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

બ્રિટનમાં બનતા નવા બિલ્ડિંગોમાં ઇલેક્ટ્રિક કાર માટે આવશે ચાર્જિંગ પોઇન્ટ

નવી દિલ્હી: ક્લાઈમેટ ચેન્જ પર અસરદાર રોક લગાવવા બ્રિટને મોટું પગલું ભર્યું છે. હવે બ્રિટનમાં બનતાં નવાં બિલ્ડિંગોમાં ઈલેક્ટ્રિક કાર માટે ચાર્જિંગ પોઈન્ટ બનાવવું ફરજિયાત હશે. સુપર માર્કેટ, વર્ક પ્લેસ અને બિલ્ડિંગ રિનોવેશનના સમયે ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઇન્ટ બનાવવા જ પડશે. એવામાં બ્રિટનમાં દર વર્ષે આશરે 1.45 લાખ નવા ચાર્જિંગ પોઇન્ટ બનાવાશે. સાથે જ દેશમાં 2030 સુધી પેટ્રોલ અને ડીઝલની નવી કારોના વેચાણ પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવાશે. બ્રિટનના આ પગલાને ઈલેક્ટ્રિક કાર ક્રાંતિ તરફ વધુ એક મોટું પગલું મનાઈ રહ્યું છે. સરકારે તેના માટે 1500 કરોડ રૂપિયાનો એક પ્લાન પણ તૈયાર કર્યો છે. તે હેઠળ નાના ઉદ્યમીઓને પર્યાવરણ અનુકૂળ નવી ટેક્નોલોજી બનાવવા પ્રોત્સાહિત કરાશે. ક્લાઈમેટ ચેન્જ પર પ્રભાવી અંકુશ મેળવવા નવી ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરાઇ રહી છે. બ્રિટનમાં કોરોનાકાળ બાદ ઓફિસે પાછા ફરી રહેલા લોકોને અપીલ કરાઈ રહી છે કે તે ખાનગી વાહનોની જગ્યાએ જાહેર પરિવહનનાં સાધનોનો ઉપયોગ કરે. જેનાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થાય.

બ્રિટનમાં યુરોપના સૌથી વધુ લગભગ અઢી લાખ ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઈન્ટ છે પણ દેશમાં ઇલેક્ટ્રિક કારોના વેચાણની તુલનાએ તે ખૂબ જ ઓછા પડે છે. ઈવી ડ્રાઈવર એપ જેપ-મેપ અનુસાર બ્રિટનમાં હાલમાં લગભગ 26 હજાર ચાર્જિંગ પોઇન્ટ ખરાબ છે. સાથે જ લગભગ 10 ટકા ચાર્જિંગ પોઇન્ટને લાંબા અંતરની કાર ચાર્જિંગ માટે વાપરી નહીં શકાય. જેપ-મેપના સંસ્થાપક મેલાઇન શફલબોથમ અનુસાર ચાર્જિંગ પોઈન્ટના મુદ્દાને જલદી જ ઉકેલવો પડશે.

(6:00 pm IST)