Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

હવે પેટ્રોલનો વિકલ્પ 'સિનગેસ'

ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ એવા કૃત્રિમ પાંદડા તૈયાર કર્યા જે સુર્યપ્રકાશ અને પાણીના સંપર્કમાં આવતા જવલનશીલ ગેસમાં રૂપાંતિરત થાય છે : કાર્બન પ્રદુષણમાંથી પણ મળશે મુકિત

લંડન : આજની મોટી મુંજવણ ઇંધણની છે. દિનપ્રતિદિન વાહનોની સંખ્યા વધતી જાય છે. સામે ઇંધણનો જથ્થો ઓછો થતો જાય છે. જયારે આ પેટ્રોલરૂપી ઇંધણ ખુટી જશે ત્યારે શુ? એવી ચિંતા સૌને સતાવી રહી છે.

પરંતુ હવે આ ચિંતા દુર થઇ જાય તેવા સંકેતો ઇંગ્લેન્ડના વિજ્ઞાનિકોએ આપ્યા છે. કેમ્બ્રીઝ વિશ્વવિદ્યાલયના સંશોધકોએ કરેલ પ્રયોગોના આધારે કૃત્રિમ પાંદડામાંથી પેટ્રોલ જેવો જવલનશીલ 'સિનગેસ' મેળવવામાં સફળતા મળી છે.

તેમણે એવો દાવો કર્યો છે કે ખાસ રીતે તૈયાર કરવામાં આવતા આ પાંદડા સુર્યપ્રકાશ અને પાણીના સંપર્કમાં આવતાની સાથે જ જવલનશીલ ગેસ ઉત્પન કરશે. જે પેટ્રોલની અવેજી પુરી કરશે. આ ઇંધણને 'સિનગેસ' નામ અપાયુ છે.

કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનિક ઇરવીન રીસનરની ટીમે એ વાત પણ સુનિશ્ચિત કરી છે કે આ ઇંધણથી કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન થતો નથી. એટલે પ્રદુષણ ફેલાવવાની વાતનો પણ છેદ ઉડી જશે.

પેટ્રોલ-ડીઝલના આધારે ચાલતા વાહનો પુષ્કળ પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે ત્યારે જો બધુ સમુસુથરૂ પાર ઉતર્યુ તો આ કૃત્રિમ પાંદડામાંથી બનતા 'સિનગેસ'ના વપરાશથી પ્રદુષણની સમસ્યાનો ઉકેલ પણ આવી જશે. મતલબ પેટ્રોલીયમ ઇંધણનો વિકલ્પ પણ મળી જશે અને પ્રદુષણની સમસ્યા પણ દુર થશે.

આ કૃત્રિમ પાંદડા ફોટોસિંથેસિસ પ્રક્રિયાની જેમ કામ કરશે. સંશોધકોએ પાણીને હાઇડ્રોઝન અને ઓકસીજનમાં વહેંચીને આ પાંદડા તૈયાર કર્યા છે. આ માટે અર્ધ કૃત્રિમ પ્રકાશ સંશ્લેષણ ટેકનીકને ઉપયોગમાં લેવામાં આવી છે.

મિ. વર્જિલ આંદ્રેઇએ એવુ કહ્યુ છે કે આ ટેકનીક ચોમાસામાં વરસાદી વાતાવરણમાં પણ કામ આપશે. મતલબ સવાર સાંજ આ ટેકનીકનો ઉપયોગ થઇ શકશે. તેમણે એવુ જણાવ્યુ કે આપણે લગાતાર ઇથેનોલ જેવા ઉત્પાદનોનું નિર્માણ કરતા આવ્યાછીએ જે ઇંધણમાં વપરાય છે. કાર્બન ડાયોકસાઇડ રીડકશન રિએકશનનો ઉપયોગ કરીને તેને સુર્યપ્રકાશના એક ચરણમાં ઉત્પાદીત કરવાનું કામ પડકારરૂપ ગણાય. પરંતુ પુર્ણ આશા છે કે સાચીદિશામાં પુરી સફળતા પ્રાપ્ત થશે.

વિજ્ઞાનિકોના આ સંધોધનને નેચર મટેરીયલ્સ જનરલમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.

(3:31 pm IST)