Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ આતંકી હુમલાની થઇ શરૂઆત

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પણ આતંકી હુમલા શરૂ છે. અગાઉ તાલિબાન આમ નાગરિકો પર હુમલા કરતું હતું હવે તાલિબાન પર અન્ય આતંકી સંગઠનો કરી રહ્યા છે. જલાલાબાદમાં એક ગનમેન દ્વારા તાલિબાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જ્યારે ઇસ્ટર્ન અફઘાનિસ્તાનમાં પણ તાલિબાનોના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કુલ છ લોકો માર્યા ગયા હતા.

આ હુમલામાં તાલિબાનોની સાથે એક બાળકનું પણ મોત નિપજ્યું હતું જ્યારે અનેક લોકો ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે બુધવારે થયેલા આ હુમલાઓની જવાબદારી કોઇ આતંકી સંગઠને નથી લીધી. હાલ તાલિબાન પર હક્કાની નેટવર્ક અને આઇએસ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા જ આવો હુમલો થયો હતો જેમાં ૩૫થી વધુ તાલિબાનો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અનેક તાલિબાનોને આતંકી જાહેર કરાયા છે. હવે જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો છે ત્યારે તેણે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના દુતને મોકલવાની તૈયારી દર્શાવી છે. તાલિબાને પોતાના પ્રવક્તા તરીકે સુહૈલ શાહીનને પસંદ કર્યા હતા અને સંયુક્ત રાષ્ટ્ર તેને માન્યતા આપી હાલ ચાલી રહેલા સેશનમાં તેને બોલવાની તક આપવામાં આવે તેવી માગણી પણ કરી હતી. ચીન, પાકિસ્તાન અને રશિયાના પ્રતિનિધિઓએ ફરી તાલિબાન સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તાલિબાનના નેતા હામીદ કર્ઝાઇ અને અબ્દુલ્લાહ અબ્દુલ્લાહ પણ જોડાયા હતા.

(6:28 pm IST)