Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કવોરન્ટીનના નિયમનો ભંગ કરીને વાળ કપાવવા ગયો , કોર્ટે ફટકાર્યો ૫-૬ લાખનો દંડ

લંડન,તા.૨૩ : સેલ્ફ આઈસોલેશનમાં રહેલા એક શખ્સને વાળ કપાવવા ભારે પડી ગયા. શખ્સને ભરવો પડ્યો મસમોટો દંડ. ઘટના બ્રિટનની છે. જયાં સેલ્ફ આઈસોલેશનમાં રહેલો એક શખ્સ ઘરની બહાર નીકળતાં તેને ૬૦૦૦ પાઉન્ડ એટલે કે ૫,૬૭,૫૪૫ રૂપિયાનો દંડ ભરવો પડ્યો. રિપોર્ટ મુજબ, આ શખ્સને બે અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેવાનું હતું પરંતુ તેણે નિયમનો ભંગ કરતા દંડ ચૂકવવાનો વારો આવ્યો.

રિપોર્ટ પ્રમાણે, Gareth Le Monnier 3 જુલાઈએ પોતાની પત્નીને મળવા માટે જર્સી સ્થિત પોતાના ઘરેથી નીકળીને આઈલેન્ડ ઓફ ગ્વેર્નસ આવ્યો હતો. ૩૭ વર્ષીય શખ્સે ઘરે આવ્યા પછી ૧૪ દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાનું હતું. જો કે, આઈસોલેશન પીરિયડ પૂરો થવાના થોડા જ કલાકો પહેલા ૩૦ પાઉન્ડમાં વાળ કપાવવા માટે તે સલૂનમાં પહોંચી ગયો.

જો કે, બોર્ડર એજન્સીના અધિકારીઓ શખ્સના ઘરે પહોંચ્યા ત્યારે આ વાતનો ભાંડો ફૂટી ગયો. શખ્સ ઘરેના મળતાં અધિકારીઓએ તેની પત્નીને ફોન લગાવ્યો હતો. ત્યારે તેણે જણાવ્યું કે, પતિ ઉપર ઊંઘતો હશે. જો કે, કપલ બહારથી ઘરે આવ્યું ત્યારે પણ અધિકારીઓ તેમના ઘરની બહાર જ ઊભા હતા. આ જોઈને Garethએ પોતાને કારની પાછળની સીટમાં છુપાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ એક પોલીસકર્મીની નજર તેના પર પડી અને સમગ્ર ભાંડો ફૂટી ગયો.

આ મામલો કોર્ટમાં પહોંચ્યો જયાં વકીલે દલીલ કરી કે કવોરન્ટીન દરમિયાન શખ્સ આ રીતે બહાર ફરે તો બીમારી બીજા લોકોમાં પણ ફેલાઈ શકે છે. જજે કહ્યું કે, ૧૪ દિવસ સુધી ઘરમાં રહ્યા પછી બહાર નીકળવું રોકેટ સાયન્સ નથી. આ શખ્સ સતત બે દિવસ ઘરની બહાર નીકળ્યો હતો. જેથી કોર્ટે દરેક અપરાધ માટે તેને ૩૦૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો. સાથે જ એમ પણ કહ્યું કે, દંડની કુલ ૬૦૦૦ પાઉન્ડની રકમ ભર્યા પછી જ તેને છોડવામાં આવશે.

(11:29 am IST)