Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ગ્રીસના દરિયામાંથી મળી આવ્યું 2હજાર વર્ષ જૂની મૂર્તિનું માથું

નવી દિલ્હી: ગ્રીસના દરિયામાં ડૂબી ગયેલા એક ખૂબ જ પ્રાચીન જહાજમાંથી કલાકૃતિઓનો ખજાનો મળી આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, એન્ટીકીથેરા એક વેપારી જહાજ હતું જે કદાચ પૂર્વીય ભૂમધ્ય સાગરથી રોમ તરફ જઈ રહ્યું હતું ત્યારે તોફાન આવતા દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને સમુદ્રમાં ડૂબી ગયું હતું. પુરાતત્વવિદોના મતે આ જહાજ 40 મીટર લાંબુ હતું અને તેના અંગે હજુ પણ રહસ્ય જ છે. પુરાતત્વવિદોને આ જહાજમાંથી મળી આવેલા ખજાનામાં એક સંગેમરમર એટલે કે આરસ પથ્થરનું માથું પણ છે જે હર્ક્યુલસનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે જ જહાજમાંથી તેના રહસ્યને વધુ ગાઢ બનાવતા માનવીય અવશેષો પણ મળ્યા છે. આ પ્રાચીન જહાજમાંથી ગ્રીસ અને રોમની પૌરાણિક કથાઓના નાયક હર્ક્યુલસની મૂર્તિનું 2,000 વર્ષ પુરાણુ માથું મળ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, એન્ટીકીથેરા નામનું આ પ્રખ્યાત જહાજ ઈ.સ. પૂર્વે 60નું રોમન યુગનું જહાજ છે અને તે ક્રેતે દ્વીપના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સમુદ્રના કિનારે સ્થિત છે. ઉલ્લેખનીય છે કે, આ જહાજમાંથી દુનિયાના સૌથી જૂના એનાલોગ કમ્પ્યુટર, એન્ટીકીથેરા મેકેનિઝમના અવશેષો મળ્યા હતા જેથી આ જહાજ ખૂબ જ ચર્ચામાં રહે છે. સૌથી પહેલા આ જહાજનો કાટમાળ 1900ના વર્ષમાં મળી આવ્યો હતો. સમુદ્રી પુરાતત્વવિદોના મતે આ જહાજ શોધી કાઢવું ખૂબ જ મુશ્કેલ કામ હતું. તેના માટે સૌથી પહેલા ચટ્ટાનોના અવશેષોને દૂર કરવામાં આવ્યા હતા જેથી જહાજના એ ભાગ સુધી પહોંચી શકાય જ્યાં પહેલા કોઈ નહોતું પહોંચી શક્યું. શોધખોળ દરમિયાન એક મૂર્તિ મળી આવી હતી જેના માત્ર પગ જ દેખાતા હતા. તે મૂર્તિ કોઈ ખડક જેવી દેખાતી હતી કારણ કે તેના ઉપર સમુદ્રી વસ્તુઓનું આવરણ જામી ગયું હતું.

 

(7:34 pm IST)