Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

માના ગર્ભમાં બાળકની મૂવમેન્ટ પર વોચ રાખવા આ બ્રેસલેટ કામ લાગશે

લંડન,તા.૨૩ :  પ્રેગ્નન્સીના ચોક્કસ સમયગાળા બાદ બાળક માના પેટમાં જ મૂવમેન્ટ કરવા માંડે છે. કયારેક લાત મારે તો કયારેક અંદર જ ગુલાંટીઓ ખાય. કયારેક તેનું માથું નીચે હોય તો કયારેક ઉપર. બાળક ગર્ભમાં કયાં અને કેટલી મૂવમેન્ટ કરે છે એ તેના ગ્રોથ અને વિકાસના તબક્કાનું  પણ નિરૂપણ કરે છે. ઈંગ્લેન્ડના ટેલફોડ શહેરમાં રહેતી લુઇ મેકલાઇડ્સ નામની મહિલાએ પોતે જયારે પ્રેગ્નન્ટ હતી ત્યારે બાળકની આવી મૂવમેન્ટને બહુ નજીકથી નોંધી હતી. આ માટે તેણે એક ખાસ બ્રેસલેટ તૈયાર કરેલું. જેટલી વાર બાળક લાત મારે કે કોઈક મૂવમેન્ટ કરે ત્યારે એ બ્રેસલેટનો એક મણકો ફેરવે. રોજ કેટલા મણકા ફર્યા એની નોંધ તે ડાયરીમાં કરતી. એમ જ શોખ ખાતર શરૂ કરેલી તેની આ એકિટવિટીમાં ગાયનેકોલોજિસ્ટને રસ પડ્યો. એવું કહેવાય છે કે જયારે ડિલિવરીનો સમય નજીક આવે ત્યારે અચાનક જ બાળકની મૂવમેન્ટ સાવ ઘટી જાય છે. આવાં તો ઘણાં અવલોકનો નોંધાયાં છે જેના આધારે બાળકનો વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં એ નક્કી કરી શકાય છે. જોકે લુઇએ એ કામ અમસ્તું જ શરૂ કરેલું, પણ હવે તે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ખાસ બ્રેસલેટ તૈયાર કરે છે જેના આધરે તેઓ બાળકની મૂવમેન્ટ ગણીને એનો રેકોર્ડ રાખી શકે. હવે આ બ્રેસલેટનો બિઝનેસ પણ જબરો ફૂલ્યો ફાલ્યો છે.

(3:07 pm IST)