Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

આ ભાઇએ પહેર્યાં ૨૬૦ ટી-શર્ટ, હવે શર્ટમાં ભાઇને શોધવા પડે એમ છે

ટોરન્ટો તા.૨૩: કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા ટેડ હાસ્ટિંગ્સ નામના ભાઇએ બાળકોના એજયુકેશન માટે પૈસા જુટાવવા માટે જબરો જુગાડ લડાવ્યો તેણે એક કાંકરે બે પક્ષી માર્યાં. તેણે એવું અળવીતરૂ કારનામું કર્યું જેનાથી લોકોનું ધ્યાન પણ ખેંચાય જેથી ચેરિટી ઇવેન્ટમાં પૈસા ભેગા થઇ શકે અને આ કારનામું વર્લ્ડ રેકોર્ડ તોડનારૂ હોય. ટેડભાઇએ પોતાના ૧૧ વર્ષના દીકરા સાથે મળીને સૌથી વધુ ટી-શર્ટ પહેરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અહીં ૫૦-૬૦ ટી-શર્ટની વાત નથી, તેણે પૂરાં ૨૬૦ ટી-શર્ટ્સ ઠઠાવ્યાં હતાં. બધાં જ કપડાં એકમેક પર આવી જાય એ માટે તેણે ઉત્તરોતર મોટી સાઇઝનાં ટી-શર્ટ્સ ખરીદ્યાં હતાં. સૌથી મોટી સાઇજ 20XL હતી. ટી-શર્ટ પહેરવાની ઇવેન્ટ તેનાં સંતાનો જે સ્કૂલમાં ભણતાં હતા એના માટે ભંડોળ એકત્ર કરવા માટે થઇ હતી.

ટેડનું કહેવું છે કે 'પહેલા ૧૦૦ ટી-શર્ર્ટ પહેર્યાં ત્યાં સુધી તો વાંધો ન આવ્યો, પણ એની પર બીજા પચાસ ટી-શર્ટ ચડાવ્યાં ત્યાં સુધી લાગ્યું કે આ બહુ ખોટો નિર્ણય લેવાઇ ગયો છે. ધીમે-ધીમે કરતાં કપડાનું વજન પણ વધવા લાગ્યું અને ગભરામણ થવા લાગી. એમ છતાં તેણે ટાર્ગેટ મુજબ ૨૬૦ ટી-શર્ટ પોતાના પર ચડાવવા દીધા. છેલ્લે જયારે તેણે રેકોર્ડ બનાવી દીધો ત્યારે આ ભાઇનું માથું પણ ટી-શર્ટમાંથી બહાર દેખાતું નહોતું.(૧.૪)

 

(3:18 pm IST)