Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

હાથીની લાદમાંથી પ્રીમિયમ કવોલિટી જીન બનાવ્યો છે દક્ષિણ આફ્રિકાના દંપતીએ

થાઇલેન્ડમાં હાથીના મળમાંથી કોફી બનતી હોવાનું સાંભળવામાં આવ્યું છે, પણ હાલમાં બ્રિટનના જીવશાસ્ત્રના અધ્યાપક દંપતી પોલ અને લેસ એન્સ્લીએ નિવૃત્તિ પછી એક નવો પ્રયોગ કર્યો છે

ડરબન, તા.૨૩: બકરીની લિંડી અને કબૂતરની ચરકનો ઉપયોગ દેશી દવા બનાવવા માટે કરવામાં આવતો હોવાનું સાંભળ્યું છે. ગાય-ભેંસના છાણનો ઉપયોગ પણ ગામડાંના ઘરમાં લીંપણ માટે કરવામાં આવે છે. આમ પશુ-પક્ષીઓની વિષ્ટા ઔષધીય અને અન્ય રીતે માનવજીવનમાં ઉપયોગી હોવાની જાણકારીઓ આપણને અવારનવાર મળતી રહે છે, પરંતુ ખાદ્ય પદાર્થો કે પીણાંમાં પશુ-પક્ષીઓની વિષ્ટાના વપરાશની જાણકારી ઓછી મળે છે. થાઇલેન્ડમાં હાથીના મળમાંથી કોફી બનતી હોવાનું સાંભળવામાં આવ્યું છે, પણ હાલમાં બ્રિટનના જીવશાસ્ત્રના અધ્યાપક દંપતી પોલ અને લેસ એન્સ્લીએ નિવૃત્તિ પછી એક નવો પ્રયોગ કર્યો છે. રિટાયરમેન્ટ બાદ તેઓ સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા છે અને ત્યાં તેમણે વન્યજીવન રક્ષણ-વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશનની પ્રવૃત્તિમાં વિશેષ રસ લેવાનું શરૂ કર્યું હતું. તેમને હાથીઓની જાળવણીમાં વિશેષ રુચિ હતી એથી એ ક્ષેત્રમાં સંશોધન અને પ્રયોગો પણ કરતાં રહે છે. તેમણે હાથીના ઘાસચારા પર જીવશાસ્ત્રીય સંશોધન માટે ડિસ્ટિલરી બનાવી  છે. એ દંપતીએ હાથીના મળમાંથી શરાબ બનાવ્યો છે. હાથીની લાદને સૂકવીને સ્ટરિલાઇઝ કર્યા બાદ એનું ડિસ્ટિલેશન કરીને જિન તૈયાર કરવામાં આવે છે. ઇન્દલોવુ નામના એ પ્રીમિયમ જીનનો સ્વાદ અન્ય આલ્કોહોલિક કે નોન-આલ્કોહોલિક પીણાં કરતાં જુદો છે, પરંતુ એમાંનાં કુદરતી તત્ત્વો આરોગ્યને ઉપકારક હોવાનું લેસ્લી દંપતી કહે છે.

(10:11 am IST)