Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

લાંબા સમય સુધી બેસવાથી આયુષ્યમાં ઘટાડો

હાર્ટ એટેક અને ડાયાબિટીશનો ખતરો વધે છે : સવારમાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ વોકિંગ કરવાની અને વધુ સમય સુધી ઉભા રહેવા માટેની સલાહ અપાઇ

ન્યૂયોર્ક,તા.૨૩: હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી બેસી રહેવાથી આયુષમાં ઘટાડો થાય છે. અભ્યાસના તારણોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આનાથી હાર્ટ સાથે સંબંધિત રોગ અને ડાયાબિટીશનો ખતરો પણ અનેક ગણો વધી જાય છે.

યુનિવર્સિટી ઓફ સિડનીના અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં ૧૧ કલાક અથવા તો તેનાથી વધુ સમય સુધી બેસી રહેનાર પુખ્ત વયના લોકોમાં આગામી ત્રણ વર્ષમાં મૃત્યુનો ખતરો ૪૦ ટકા સુધી વધી જાય છે. એક દિવસમાં ચાર કલાકથી ઓછા સમય સુધી બેસી રહેનાર લોકો કરતા ૧૧ કલાકથી વધુ સમય સુધી બેસી રહેતા લોકોમાં ખતરો ખૂબ વધારે છે. એક નિવેદનમાં યુનિવર્સિટી ઓફ સિડની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસરે કહ્યું છે કે મોર્નિંગ વોક અથવા તો જીમમાં જવાની બાબત પણ ખૂબ જરૂરી છે પરંતુ લાંબા સમય સુધી બેસવાની બાબત ખૂબ જ ખતરનાક છે. આનાથી ઘણા રોગનો ખતરો વધી જાય છે. તેમના જણાવ્યા મુજબ અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ઘરમાં, નોકરીમાં અને ટ્રાફિકમાં લોકો બેસવામાં ઘણો સમય ગાળે છે. આને ઘટાડવામાં આવે તે જરૂરી છે. વધારે સમય સુધી ઊભા રહેવાથી અને વોકિંગ વધુ કરવાથી આ ગાળાને ઘટાડી શકાય છે. સવારમાં ઓછામાં ઓછા ૩૦ મિનિટ સુધી વોકિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્રિટિશ ચેનલ ઓફ સ્પોર્ટ્સ મેડીસીન દ્વારા તૈયાર કરવામાં આવેલા આવા જ અહેવાલમાં લાંબા સમય સુધી બેસવા અને આરોગ્ય વચ્ચે સીધા સંબંધ હોવાની વાત કરાઈ છે. દિવસમાં છ કલાક સરેરાશ ટીવી નિહાળનાર લોકોને પણ આવરી લેવામાં આવ્યા હતા. વય, ડાઈટ અને કસરતની ટેવ જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે.

(3:20 pm IST)