Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

બાળકોના બ્રેઈન કેન્સરની દવા હાથવેંતમાં

લંડનની કેન્સર રિસર્ચ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ

લંડન :. બ્રિટનના વૈજ્ઞાનિકોએ બાળકોના બ્રેઈન કેન્સરની દવા શોધવાનો દાવો કર્યો છે. ઈન્સ્ટીટયુટ ઓફ કેન્સર રિસર્ચ લંડનના પ્રોફેસર ક્રિસ જોન્સનું કહેવું છે કે મેડીકલ સાયન્સની ભાષામાં તેને ડીફયુઝ ઈનટ્રીન્સીક પોટીંગ ગ્લિયોમા (ડીઆઈપીજી) તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે આના ૩૦ થી ૪૦ કેસો નોંધાય છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે તે ૫ થી ૧૦ વર્ષના બાળકોને જ ઝપટમાં લે છે. પ્રો. ક્રિસ અનુસાર, તેમની ટીમ એવી એક દવાનું પરિક્ષણ કરવાની સમીપ છે, જે નાનપણના મગજના કેન્સર સામે લડી શકે છે. વૈજ્ઞાનિકોને ખાતરી છે કે તેઓ ટૂંક સમયમાં જ આ ગંભીર બિમારીની દવા શોધવામાં સફળ થશે.

આ શોધને આર્થિક પ્રોત્સાહન આપવામાં અમાન્ડા અને રે મિફસૂદ નામના દંપતીનું ખાસ યોગદાન છે. અમાન્ડા અને રે એ ૨૦૧૧માં પોતાની પુત્રી અબ્બીને ડીઆઈપીજીના કારણે ગુમાવી હતી. પછી બન્નેએ નક્કી કર્યુ હતુ કે તેઓ આના માટે કામ કરશે. તેમણે અબ્બી આર્મી બનાવી અને હવે બિમારી સામે લડવા માટે ફંડ એકઠુ કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકો અનુસાર, આ રોગના લક્ષણો જન્મજાત હોય છે. જો કે તે પુરી રીતે વિકસીત થયા પછી જ પકડાય છે. બાળકોના મગજમાં ટયુમર થવાના કારણે ડોકટરો માટે સર્જરી કરવી અશકય બને છે. રેડીયો થેરાપીથી પણ તેનો ઈલાજ સફળ નથી થઈ શકયો.

વૈજ્ઞાનિકોએ તેના પ્રાથમિક લક્ષણો અંગે જણાવ્યુ કે ટયુમરની અસરના કારણે બાળકોને આંખ, કાન અને માનસિક સંતુલનની સમસ્યાઓ થાય છે. તેમને ઓછું દેખાય-સંભળાય છે તે બાળકને સંપૂર્ણપણે અપંગ બનાવી દે છે.

(12:59 pm IST)