Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ચોર ઘરમાં ઘૂસ્યો, ઇંડા પકાવીને ખાધાં, નાહ્યો, કપડાં ધોયાં અને સુકાવાની રાહ જોતો બેઠો

ન્યુયોર્ક તા.૨૨: અમેરિકાના અલબામા રાજયના એથેન્સ શહેરમાં મેરી રોયસ્ટર નામની એક મહિલા ૧૬ ઓકટોબરે સાંજે બહાર ગઇ હતી. મોડી રાતે તે ઘરમાં પાછી ફરી તો જોયું કે કોઇ અજાણ્યો માણસ ઘરમાં ઘૂસ્યો છે. બેઠકરૂમ અને બેડરૂમમાં બધું જ જેમ હતું એમ જ પડયું હતું, પરંતુ કિચન અને બાથરૂમમાં ચીજો જેમ-તેમ વિખેરાયેલી પડી હતી. મેરીએ તરત જ પોલીસને ફોન કર્યો. નવાઇની વાત એ હતી કે મેરીને જોયા પછી પણ પેલો માણસ જાણે પોતાનું જ ઘર હોય એમ બેઠો હતો. મેરીએ ધમકી આપીને ત્યાંથી જતા રહેવા કહ્યુ઼ તો પેલાએ શાંતિથી કહ્યુ કે તે પોતાનાં કપડાં સુકાય એની રાહ જોઇ રહયો છે, કપડાં સુકાશે એટલે લઇને જતો રહેશે. થોડી જ વારમાં પોલીસ આવી પહોંચી ત્યારે પણ ચોરભાઇએ ત્યાંથી ઝડપથી નીકળવાની કોઇ ઉતાવળ બતાવી નહીં. પોલીસ તરત જ આ ચોરને ઓળખી ગઇ. તેનંુ નામ હતું ટાઇલર લવ. ૩૧ વર્ષનો ટાઇલર લાઇમસ્ટોન કાઉન્ટીની જેલમાંથી હજી ગયા અઠવાડિયે જ બહાર આવ્યો હતો. આ પહેલાં પણ તે ચોરીના મામલે જ જેલમાં ગયેલો. જેલમાંથી બહાર આવ્યા પછી અઠવાઠિયા સુધી તે બહાર જ ભટકતો રહ્યો હતો એટલે તે આ ઘરમાં ઘૂસ્યો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે 'મેરીના ઘરમાંથી તેણે બીજું કશું જ નથી લીધું. માત્ર ફ્રિજમાંથી ઇંડા કાઢી પકાવીને ખાધાં હતાં. શેવિંગ કર્યું, બ્રશ કર્યું અને નાહી-ધોઇને કપડાં ધોવાનું કામ કર્યું હતું.'

કપડાં સુકાઇ જાય એ પછી તે ત્યાંથી શાંતિથી નીકળી જવાનો હતો.(૧.૭)

(3:51 pm IST)