Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રસપ્રદ અભ્યાસ

મહિલાઓને પુરૂષો કરતાં વધુ એકલતા સાલે છે

પુરૂષો સામાન્ય રીતે મહિલાઓની સરખામણીમાં એકલતા અને નકારાત્મકતાની ભાવનાને છુપાવવાનો વધુ પ્રયાસ કરે છે

લંડન, તા.૨૨: ટેકનોલોજીના યુગમાં આપણે આખી દુનિયા સાથે જોડાયેલા છે છતાંય લોકોને એકલતા સાલતી હોવાની ફરિયાદ વધી ગઈ છે. એકલતા એ ક માનસિક દુઃખની અનુભૂતિ છે જેમાં વ્યકિત ગૃપ કરતા એકલુ પડી ગયુ હોવાનું મહેસૂસ કરે છે. આવી વ્યકિતને અસંતોષ હોય છે. નેશનલ સેમ્પલ સર્વે અઁફિસે ૨૦૦૪માં કરેલા અભ્યાસ અનુસાર ભારતમાં ૪૯.૧૦ લાખ લોકો એકલા રહે છે અને એકલતાથી પીડિત છે.

તમે એકલતાને સંબંધો સાથે જોડી શકો છો. ઉદાહરણ તરીકે, એક એવી વ્યકિત જેના ઘણા મિત્રો હોય તેની સરખામણીએ જે વ્યકિતને ફકત ૨ મિત્ર હોય. આવામાં જેને ઓછા મિત્ર હોય આપણે તેને એકલો માનવા માંડીએ છીએ. હવે તાજેતરમાં સ્ત્રી કે પુરુષ બંનેમાંથી વધુ એકલતા કોને સાલે તેનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

વોટરલૂ યુનિવર્સિટીમાં શેલી બર્સિલે કરેલા અભ્યાસ અનુસાર મહિલાઓને પુરુષો કરતા વધુ એકલતા સાલે છે. આવુ એટલે નથી કે તે પુરુષ કરતા વધુ એકલી રહે છે. પુરુષ અને મહિલા બંને પોતાના દિમાગની રચના અનુસાર પોતાની ભાવના રજૂ કરવા માટે જુદી જુદી સ્ટ્રેટેજી અપનાવે છે. પુરુષો સામાન્ય રીતે મહિલાઓની સરખામણીમાં એકલતા અને નકારાત્મકતાની ભાવનાને છૂપાવવાની વધુ કોશિશ કરે છે.

પુરુષ આ ભાવનાથી બહાર નીકળવા માટે વધુ લોકો સાથે વાતચીત કરે છે અને પોતાના અલગ અલગ ગૃપ બનાવવાની કોશિશ કરે છે. બીજી બાજુ સ્ત્રીઓ ઓળખીતા લોકોનું ગૃપ બનાવવા પર વિશ્વાસ નથી કરતી. એટલે જ તેને પુરુષની સરખામણીમાં બીજા લોકો સાથે જોડાવામાં વધુ સમય લાગે છે. સંબંધો કે લગ્ન તૂટ્યા હોય તેવા મામલામાં મહિલાઓ શરૂઆતમાં એકલતા મહેસૂસ કરે છે જયારે પુરુષને અમુક સમય બાદ તેનો અહેસાસ થાય છે. આ મહિલાઓની ભાવનાત્મક પ્રકૃતિને કારણે છે. પુરુષ પોતાની ભાવનાને છૂપાવવાની ત્યારે કોશિશ કરે છે જયારે તે તેને દૂર કરવામાં સફળ ન થાય.

એકલતાની ભાવનાને ઉદાસી સાથે જોડી શકાય. દ્યણા લોકો આમ કરવામાં નિપુણ હોય છે પરંતુ અંદરથી તે એકલા અને ઉદાસ હોય છે. જયારે વ્યકિત આ ભાવનાને પોતાની જાતથી અળગી ન કરી શકે ત્યારે તે પોતાની જાતને બરબાદ કરવાના રસ્તે આગળ વધી જાય છે.

એકલતા દૂર કરવામાં નીચેની ટિપ્સ તમને મદદરૂપ બની શકે.

-તમારા મિત્રો અને સંબંધીઓને વધુ મળવાનું શરૂ કરી દો.

– પોતાનું ધ્યાન બીજે વાળવા માટે કોઈ શોખમાં મન પરોવો.

– થેરેપી અને ડોકટરની સલાહનું પાલન કરો.

-પોતાના જેવા વિચાર ધરાવતા લોકોને શોધો.

-બીજા સાથે વાતચીત કરતી વખતે દયાભાવ રાખો અને જિજ્ઞાસા રાખો.(૨૩.૯)

(10:26 am IST)