Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સાઉદીમાં મહિલા કાર્યકરને ગળુ કાંપી મોતની સજા થશે

ઓક્ટોબરમાં અંતિમ ફેંસલો કરાય તેવી શક્યતા : કોર્ટના ચુકાદાને લઇને ચર્ચાઓ : અરબ ક્રાંતિ યોજી હતી

રિયાદ, તા. ૨૨ : મહિલા કાર્યકરોની મુક્તિની માંગને લઇને કેનેડાની સાથે સંબંધોમાં તંગદિલી બાદ હવે સાઉદી અરબ પ્રથમ મહિલા કાર્યકરને મોતની સજા આપવાની તૈયારીમાં છે. મહિલા કાર્યકરને ગરદન કાપીને મોતને ઘાટ ઉતારવામાં આવશે. પ્રથમ મહિલા કાર્યકરને આ રીતે સજા કરવામાં આવનાર છે. ૨૯ વર્ષની ઇશરા અલ ઘોંઘમને તેના પતિ મુસાની સાથે ડિસેમ્બર ૨૦૧૫માં પકડી લેવામાં આવી હતી. આ બંને ઉપર પૂર્વીય કાતિફ પ્રાંતમાં અરબ ક્રાંતિ બાદ સરકાર વિરોધી પ્રદર્શન યોજવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મહિને રિયાદની ખાસ અદાલતે સુનાવણી દરમિયાન ઇશરા અને અન્ય પાંચને ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ કઠોર સજા ફટકારવામાં આવી હતી. ગરદન કાપીને સજા કરવાની માંગ કરવામાં આવી હતી. કાર્યકરો હવે આ ચુકાદાની સામે અપીલ કરી ચુક્યા છે જેના ઉપર ઓક્ટોબર મહિનામાં ચુકાદો આવનાર છે. જો મોતની સજા અકબંધ રહેશે તો કિંગ સલમાનની પાસે મંજુરી માટે મોકલવામાં આવશે જે સામાન્યરીતે મોતની સજા ઉપર લીલીઝંડી આપે છે. જર્મન સ્થિત યુરોપિયન સાઉદી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સના કહેવા મુજબ ઘોંઘમ એક લોકપ્રિય કાર્યકર છે. આ ચુકાદો રૃઢિવાદી દેશમાં મહિલા કાર્યકરો માટે એક ખતરનાક દાખલો રજૂ કરે છે. તેને તરત મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે. ઘોંઘમને છેલ્લા ત્રણ વર્ષથી કેદમાં રાખવામાં આવી છે. વકીલ રાખવા માટેની પણ મંજુરી આપવામાં આવી નથી. રાજકીય કેદીઓની મુક્તિ અને સિયા વિરોધી સરકારના ભેદભાવને ખતમ કરવાની માંગ દિનપ્રતિદિન ઉઠી રહી છે. તેના કેસને લઇને અરબી મિડિયા અને સોશિયલ મિડિયા ઉપર પણ મોતની સજાને લઇને અહેવાલો આવ્યા છે.

(7:45 pm IST)