Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

આ દેશ એટલોબધો ગરીબ છે કે લોકો કીચડમાં મીઠું મેળવીને બનાવે છે રોટલી

લંડન તા.૨૨: હૈતી એક એટલો ગરીબ દેશ છે જયાં લોકો પેટનો ખાડો પુરવા પુરતું ખાવાનું મેળવવા ટળવળે છે. તાજેતરમાં સોશ્યલ મિડીયા પર એક વિડીયો ખૂબ વાઇરલ થયો છે. ભૂતપુર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વિટર પર આ વિડીયો પોસ્ટ કર્યો છે જે ભલભલી પથ્થરદિલ વ્યકિતની આંખોમાં પાણી લાવી દે એવો ઇમોશનલ છે. કહેવાય છે કે આ વિડીયો હૈતીની ગરીબીનો ચિતાર આપે છે. કિલપમાં જોઇ શકાય છે કે કેટલીક મહિલાઓ કીચડમાં નમક મેળવીને રોટલી માટેનો લોટ બનાવે છે અને પછી તડકામાં ચાદર પર પાથરીને સુકવે છે. આવી માટીની ઠીકરીઓ ખાઇને લોકો પેટ ભરે છે. વિરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરીને લખ્યું છે કે 'ગરીબી! હૈતીમાં માટીમાં મીઠું મેળવીને રોટલી બનાવાય છે. અહીંના લોકો એ જ ખાય છે. પ્લીઝ... પ્લીઝ ખાવાનું બરબાદ ન કરો. આપણે જેની કદર નથી કરતા એ કોઇક માટે બહુ જ મહત્વનું છે. બચેલું ખાવાનું જરૂરતમંદોને દાન કરો અથવા તો રોટી-બેન્કને પહોંચાડો.'

હૈતીની કુલ વસ્તી એક કરોડની છે. એમાંથી ૩૦ લાખ લોકોને ખાવાનું નથી મળતું. દેશની સોૈથી મોટી સમસ્યા ભૂખમરો અને કુપોષણ છે.

(12:02 pm IST)