Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

આને કહેવાય ઉદારતા

૪૦૦ વિદ્યાર્થીઓની લોન ભરી દેવા અબજોપતિની જાહેરાત

ન્યુયોર્ક, તા.૨૨: જયોર્જિયા સ્થિત એટલાન્ટામાં કોલેજના વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં દરમિયાન મુખ્ય વકતાએ કરેલી જાહેરાતને લઈને સ્તબ્ધ થઈ ગયાં કારણ કે, આ વકતાએ સમગ્ર કલાસના વિદ્યાર્થીઓની એજયુકેશન લોન ભરવાની જાહેરાત કરી હતી. આ વ્યકિતનું નામ રોબર્ટ એફ સ્મિથ છે.

ટાઈમ મેગેઝિનના રિપોર્ટ અનુસાર, સ્મિથ એક આફ્રિકન-અમેરિકન બિઝનેસમેન છે. સ્મિથને મોરહાઉસ કોલેજના વાર્ષિક પદવીદાન સમારોહમાં મુખ્ય વકતા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્મિથે જાહેરાત કરી કે, તે વિદ્યાર્થીઓની ૪૦ મિલિયન ડોલરની એજયુકેશન લોનની ચૂકવણી કરશે. સ્મિથની આ જાહેરાત બાદ ત્યાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને અભિભાવકોએ જોરદાર તાળીઓ સાથે તેમનું સ્વાગત કર્યું. મોરહાઉસ કોલેજમાં માત્ર 'અશ્વેત' વિદ્યાર્થીઓ જ ભણે છે.

સ્મિથ સોફ્ટવેર, ડેટા અને તકનીકી સંચાલિત કંપનીઓમાં રોકાણ કરતી એક ખાનગી ઈકિવટી ફર્મ વિસ્ટા ઈકિવટી પાર્ટનર્સના સંસ્થાપક અને સીઈઓ છે. સંબોધન દરમિયાન સ્મિથે કહ્યું કે, અમારી ૮ પેઢી આ દેશમાં રહી ચૂકી છે, આજે હું વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તેમની લોન ચૂકવવાની જાહેરાત કરું છું, મારા આ પગલાથી અમેરિકામાં રહેતા અશ્વેત વિદ્યાર્થીઓને ઘણી મદદ મળશે. આપણે એકસાથે મળીને આપણા સમુદાય અને આપણા લોકોની મદદ માટે આગળ આવવું પડશે. આપણે સાથે મળીને અમેરિકામાં આપણા સપનાંઓ પૂર્ણ કરી શકીએ છીએ.

કોલેજ પ્રેસિડેન્ટ ડેવિડ એ. થોમસે કહ્યું કે, સ્મિથની આ વિદ્યાર્થીઓને એક મોટી ભેટ છે. જે તેમના સપનાઓ તેમના જોશ મેળવવા માટે એક રીતે સ્વતંત્રતા આપશે. તેમણે જેટલી રકમની જાહેરાત કરી છે, તેનાથી અંદાજે ૪૦૦વિદ્યાર્થીઓને રાહત મળશે.

(3:45 pm IST)