Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

માંકડની સમસ્યા બની ફ્રાન્સમાં ચૂંટણીનો મુદ્દો : સરકારે સમસ્યાથી છૂટકારો મેળવવા હાથ ધર્યુ અભિયાન

૭૦ વર્ષ પહેલા ભયાવહ બનેલી માંકડની સ્થિતિ બાદ દેશવ્યાપી અભિયાન ચલાવી નેસ્તનાબુદ કરવામાં આવેલા માંકડોની સમસ્યાએ ફરી દેખા દેતા ચાલુ વર્ષે યોજાનારી ચૂંટણીમાં સમસ્યા બની પ્રચારનો મુદ્દો

પેરીસ, તા. ૨૨ : હમણા હમણા ફ્રાન્સમાં માંકડના સામ્રાજ્યએ આતંક મચાવી રાખ્યો છે. ૧૯૫૦ સુધી દેશમાં માંકડની સ્થિતિ ખૂબ જ ભયાવહ હતી. ત્યારબાદ દેશવ્યાપી અભિયાન ચલાવીને માંકડને નેસ્ત નાબુદ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ફરી આ સમસ્યાએ દેખા દેવાનું શરૂ કર્યુ છે. ૨૦૧૮માં સરકારે રાજધાની પેરીસમાં લગભગ ૪ લાખથી વધુ જાહેર સ્થળો ઉપર તેના નિવારણ માટે કાર્ય હાથ ધર્યુ હતું. મોટાભાગે હોટલો, એપાર્ટમેન્ટ અને રહેણાંક મકાનોમાં આ સમસ્યાએ અજગર ભરડો લીધો છે. સરકારે ગુરૂવારે ફરીથી માંકડમાંથી મુકિત મેળવવા માટે અભિયાન આદર્યુ છે.

ચાલુ વર્ષે યોજાનારી મેયરની ચૂંટણીમાં કેટલાય ઉમેદવારો માંકડની સમસ્યા સમાપ્ત કરવાનો મુદ્દો લઈ મતદારો વચ્ચે ઉતર્યા છે. મેયરપદના એક ઉમેદવાર બેન્જામીન ગ્રીવોએ પોતાના ઢંઢેરામાં ૧૦૦ દિવસમાં રાજધાનીને 'માંકડ ફ્રી' કરી દેવાની જાહેરાત પણ કરી દીધી છે.

કિટનાશકો ઉપરના પ્રતિબંધને કારણે સમસ્યાએ માથુ ઉંચકયુ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડીડીટીનો ઉપયોગ કરીને માંકડની સમસ્યામાંથી ફ્રાન્સ બહાર આવ્યુ હતું. આ સમયગાળા પછી ડીડીટી અને અન્ય ઝેરી કિટનાશકોના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો, જેને લઈને માંકડે ફરી પગપેસારો શરૂ કરવાનું ચાલુ કરી દીધુ છે. પેરીસ જેવા સમૃદ્ધ રાજયમાં તો માંકડ નામના કીડાની સમસ્યા સમાપ્ત કરવા માટે લોકોએ વર્ષે - દહાડે અબજો ડોલર ફૂંકી માર્યા હતા. કિટનાશકો ઉપરના પ્રતિબંધના કારણે આ સમસ્યા ઉભી થઈ હતી.

ફ્રાન્સ સરકારે એક વેબપેઈજનું નિર્માણ કરી આ સમસ્યાના ઈલાજ અને તેને લગતી માહિતી જાહેર કરવાનું શરૂ કર્યુ છે. સાથોસાથ સમસ્યાથી નિપટવા માટે તજજ્ઞોની મદદ માટેના જાહેર કોન્ટેક નંબરો પણ માધ્યમો દ્વારા રીલીઝ કરવામાં આવી રહ્યા છે. યુએસએ અને યુરોપના હિસ્સામાં સરખા ઉષ્ણતામાન અને જલવાયુની સરખી સ્થિતિમાં માંકડોની ઉત્પતિ થવી સામાન્ય છે. ૨૦૧૬માં થયેલા એક રિસર્ચમાં બહાર આવ્યુ કે માંકડ કિટનાશકોથી ટેવાઈ ગયા હતા. કિટનાશકોના છંટકાવની અસર પણ તેમના ઉપર થતી ન હતી!

(3:27 pm IST)