Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

દુકાનદારે મહિલાને ચપ્પલ ધાબડી દેતા પતિ પહોંચ્યો કોર્ટ : દંડ -કાર્યવાહીની માંગ

પત્નીએ આ દુકાનમાંથી ૧૬૦૦ પાકિસ્તાની રૂપિયાના પગરખાં ખરીદ્યા હતાઃ પરંતુ બે દિવસમાં જ તૂટી ગયા

ઈસ્લામાબાદ,તા.૨૧: પાકિસ્તાનમાં હાલના દિવસોમાં એક કેસ ચર્ચામાં છે. અહીં એક વ્યકિત જૂતાની દુકાનના માલિકને કોર્ટમાં ખેંચીને લઈ ગયો છે. આ વ્યકિતનો આરોપ છે કે દુકાનદારે તેની પત્નીને ખરાબ પગરખાં આપ્યાં હતાં, જેના કારણે પત્ની ખૂબ જ દુઃખી છે. આથી તેણે દુકાનદાર સામે કોર્ટમાં કેસ કર્યો છે અને કોર્ટે પણ આ કેસની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફરિયાદીની પત્નીએ આ દુકાનમાંથી ૧૬૦૦ પાકિસ્તાની રૂપિયાના પગરખાં ખરીદ્યા હતા, પરંતુ બે દિવસ પછી જૂતાના બે ટુકડા થઈ ગયા. ફરિયાદમાં જણાવાયું છે કે જયારે દુકાનદારને આ વાત કહેવામાં આવી ત્યારે તેણે તેની જવાબદારી લેવાની ના પાડી. આ કારણે આ માણસની પત્ની ખૂબ જ દુઃખી છે.

આ કેસ ગ્રાહક અદાલતમાં પહોંચ્યો છે. કેસની સુનાવણી કરતી કોર્ટે પુરાવા અને સાક્ષીઓ પાસેથી સત્ય જાણવાનું નક્કી કર્યું છે. તે જ સમયે આ વિચિત્ર કેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. લોકોએ તેના પતિને એટલો સપોર્ટિવ હોવા પર પ્રશંસા કરી છે. કેટલાક કહે છે કે આવા કેસો દ્વારા કોર્ટનો સમય બરબાદ થઈ રહ્યો છે જયારે ગંભીર ગુનાઓનો ભોગ બનેલા લોકોને ન્યાય માટે ભટકવું પડે છે.

(10:04 am IST)