Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પુરુષો માટે પહેલું ગર્ભનિરોધક ઈન્જેકશન તૈયાર

એકવાર આ ઈન્જેકશન લગાવ્યા બાદ ૧૩ વર્ષ સુધી તે પ્રભાવી રહેશે

નવી દિલ્હી, તા.૨૧: જયારે વાત ગર્ભનિરોધકની આવે છે ત્યારે મોટાભાગને તેને મહિલાઓની જવાબદારી ગણી લેવામાં આવે છે. જો પુરુષ કોન્ડોમનો ઉપયોગ ન કરે તો મહિલાઓએ વણજોઇતા ગર્ભથીથી બચવા માટે અલગ અલગ ઉપાય અજમાવવા પડે છે. પછી તે ગર્ભનિરોધક ગોળી હોય કે કોન્ટ્રાસેપ્ટિવ રિંગ કે પછી આઈયુડી તરીકે ઓળખાતું ઇન્ટ્રાયૂટ્રાઇન ડિવાઇસ લગાવવું પડે છે. પરંતુ હવે પુરુષ પણ ગર્ભનિરોધકમાં યોગ્ય જવાબદારી નીભાવી શકશે. દુનિયાનું પહેલું મેલ બર્થ કંટ્રોલ એટલે કે પુરુષો માટે ખાસ તૈયાર કરવામાં આવેલ ગર્ભનિરોધક ઈન્જેકશન તૈયાર થઈ ગયું છે.

આ ઇન્જેકશન પુરુષોના ગ્રોઇન એટલે કે જેને પેડૂ કહેવાય છે તેમાં લગાવવામા આવશે. આ ઇંજેકશનનું કલીનિકલ ટ્રાયલ પણ સફળ રહેશે. એકવાર આ ઈન્જેકશન લગાવ્યા બાદ ૧૩ વર્ષ સુધી તે પ્રભાવી રહેશે. આ ઇંજેકશન શરીરમાં ખાસ પ્રકારનું પોલિમર નાખસે જેથી સ્પર્મ ટેસ્ટિકલની બહાર નીકળી નહીં શકે. પુરુષોની ટ્રેડિશનલ નસબંદીને રોકવા માટે આ ઈન્જેકશન તૈયાર કરવામાં આવ્યું છે. આ ઈન્જેકશનને લોકલ એનેસ્થેસિયાના ડોઝ સાથે આપવામાં આવશે.

આ ઈન્જેકશનને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે. તેના કલીનિકલ ટ્રાયરના ત્રણ રાઉન્ડ સફળતા પૂર્વક પૂરા કરી લેવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે કલીનિકલ ટ્રાયલ અંતર્ગત તેને ૩૦૦ દર્દીઓને આપવામાં આવ્યા હતા અને તેમાંથી કોઈને એક પણ પ્રકારે સાઇડ ઇફેકટ જોવા મળ્યા નહોતા.

આ પ્રયોગોનો સકસેસ રેશિયો ૯૭.૩% જેટલો જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ભારતીય રેગ્યુલેટરી બોડી પાસેથી હવે આ ઈન્જેકશનને એપ્રુવલ મળવામાં ૬ થી ૭ મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યાર બાદ તેને દુનિયાનું પહેલું પુરુષ ગર્ભનિરોધક ઈન્જેકશન કહી શકાશે.

(11:38 am IST)