Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અમેરિકી ગારમેન્ટ કંપનીએ ટાઇમ સ્કવેર ખાતે ટ્રમ્પનું વાંધાજનક પોસ્ટર લગાવ્યુ

ન્યુયોર્કઃ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા પ્રસિદ્ઘ ટાઇમ સ્કેવરમાં લગાવવામાં આવેલું પોસ્ટર ચર્ચા અને વિવાદનો વિષય બન્યું છે. આ પોસ્ટરમાં એક મહિલાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દોરડા વડે બાંધેલા છે.  આ સિવાય તે મહિલાએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા ઉપર પગ પણ મુકયો છે. આ પોસ્ટર લાગ્યા બાદ ટ્રમ્પના દિકરાએ આક્રોશ વ્યકત કર્યો છે. તેણે અમેરિકાના મીડિયા સંસ્થાનોની આલોચના કરી છે.

પોર્ટલેન્ડની ગારમેન્ટ કંપની ધવાનીનું આ પોસ્ટર છે. જેને ટાઇમ સ્કેવર પર ૩૦ ફૂટની ઉંચાઇએ લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં એક મહિલા મોડેલ, જેણે એથલેટ્ક કપડા પહેર્યા છે તેણે ટ્રમ્પના ચહેરા પર પગ મુકયો છે.  ટ્રમ્પ જમીન પર સુતેલા છે, તેને લાલ, લીલા અને પીળા દોરડાથી બાંધેલા છે. પોસ્ટરમાં ટ્રમ્પ જેવો તે વ્યકિત રાડો પણ પાડે છે. આ પોસ્ટરને ૧૫ ઓકટોબરના રોજ લગાવવામાં આવ્યું હતું. જેને ટ્રમ્પના દિકરા જુ. ટ્રમ્પે ટ્વિટ કર્યુ છે.

જુનિયર ટ્રમ્પે મીડિયા પર ગુસ્સે થતા લખ્યું છે કે, તમારી પાસે મુર્ખતા ભરેલા મીમ ને બતાવવાનો સમય છે, જયારે ટાઇમ સ્કવેર પર લાગેલા આ અપમાનજનક પોસ્ટરને બતાવવાનો સમય નથી. તમે બધા પાખંડી છો.  તો ધવાની કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ સરકારે ફેમિલિ પ્લાનિંગ પ્રોગ્રામને મળનારૃં ફંડ બંધ કર્યુ છે. જેનો વિરોધ કરવાના આશયથી આ પોસ્ટર બનાવવામાં આવ્યું છે.

(4:11 pm IST)