Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

છ મહિનાના બાળકને છે વિચિત્ર બીમારી : જન્મ બાદ કયારેય રડયું નથી : માતા છે ખૂબ જ પરેશાન

જયારથી તેનો જન્મ થયો છે, ત્યારથી તેણે પોતાના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો નથી!

ટોરેન્ટો,તા.૨૧: બાળકના જન્મ બાદ ૫ વર્ષ સુધી તેની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે. એમાં પણ પહેલું વર્ષ બાળક માટે ખૂબ સંવેદનશીલ હોય છે. શરદી, તાવ અને ડાયરીયા જેવી તકલીફો અવારનવાર ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં માતા દ્યણી વખત ગભરાઈ જતી હોય છે. બાળક રડે એટલે તુરંત તબીબ પાસે દોડી જાય છે. બાળકનું રડવું સામાન્ય બાબત છે. પરંતુ બાળક ૬ મહિના સુધી ન રડે તો માતાની કેવી હાલત થાય? આવી જ હાલત કેનેડાના Chatham - Kentમાં રહેતી લ્યુસિન્ડા એન્ડ્ર્યુઝની થઈ છે. તેનું બાળક રડી શકતું નથી. જયારથી તેનો જન્મ થયો છે, ત્યારથી તેણે પોતાના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો નથી!

વૈજ્ઞાનિકો પણ આ દુર્લભ રોગને સમજી શકયા નથી. આવી સ્થિતિમાં માતા બાળકની સારવારને લઈને ખૂબ જ પરેશાન છે. આ સ્થિતિ માતાને બેચેન બનાવી રહી છે. ૩૨ વર્ષીય લ્યુસિન્ડાએ ૫ માર્ચે પુત્ર લિયોને જન્મ આપ્યો હતો. લ્યુસિન્ડાની ગર્ભાવસ્થા એકદમ સામાન્ય હતી. જન્મ પછી બાળકના હાથ, પગ અને માથું હલતા ન હોવાનું તબીબોએ જોયું હતું.

ત્યારબાદ બાળકની જિનેટિક સ્થિતિના કારણે પ્રોટીનના સ્તરને અસર થઈ હોવાથી આવું થયું હોવાનું સામે આવ્યું હતું. માતાના ગર્ભમાંથી તેને TBCD geneની તકલીફ હતી. જેથી લિયોને જન્મથી જ દ્યણા સમય સુધી NICUમાં રાખવામાં આવ્યો હતો. તેની વિશેષ કાળજી લેવાઈ હતી.

શ્વાસ લેવામાં તકલીફ થાય તો પણ રોઈ નથી શકતું બાળકઃ લિયો રડી શકતો નથી અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો કહી પણ શકતો નથી. TBCD geneની અસર કરતી આવી જેનેટિક સ્થિતિ ખૂબ જ ઓછી જોવા મળે છે. બીમારીનું કોઈ નામ પણ નથી. પોતાના બાળકના જીવનમાં સુધારો થાય તે માટે આ બીમારી બાબતે રિસર્ચ થાય તેવું લ્યુસિન્ડા ઇચ્છે છે

જન્મ પછી લિયો રડી શકતો ન હોવાની વાત લોકોને વિચિત્ર લાગી હતી. લ્યુસિન્ડા તેના બાળકની એકિટવિટી જોઈને ખુશ રહે છે. તે કહે છે કે લિયોને ટોય સ્ટોરીઝ ગમે છે. તે ટોય સ્ટોરીઝ આઇપેડ પર જોવાનું પસંદ કરે છે. બહાર જઈને વૃક્ષો જોવા પણ તેને ગમે છે. ઉલ્લેખનીય છે કે, હવે લ્યુસિન્ડા પોતે પણ આ દુર્લભ રોગ વિશે સંશોધન કરી રહી છે અને લોકોને પણ તેનાથી જાગૃત કરી રહી છે.

(10:06 am IST)